વડોદરા, તા.૬
શહેર નજીક સોખડા ગામ ખાતે આવેલ વિશ્વવિખ્યાત હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિર વારંવાર વિવાદોમાં સપડાયેલ રહે છે. હરિધામ સોખડા ખાતે સાધુ-સંતો દ્વારા એક સત્સંગી યુવાનને માર માર્યાના બનાવથી ચકચાર જાગી હતી. પૂ. હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયા બાદ ગાદીપતિ માટે સાધુ અને સત્સંગીઓના જૂથ વચ્ચે જંગ અને ખેંચતાણ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. હજુ સુધી આ મામલો શાંત પડયો નથી ત્યાં મારામારીનો બનાવ સામે આવ્યો છે.આજે સોખડા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો મહિલા સત્સંગીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, તે અંગેનો વીડિયો પોતાના મોબાઈલથી ઉતારતાં સત્સંગી યુવાનને પકડી ઉતારેલ વીડિયો ડિલીટ કરવા માટે માર માર્યો હતો અને સંતો એકબીજા સામે હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા. સંતોએ અણછાજતું વર્તન કર્યું હોવાનું બહાર આવ્યું છે. જાે કે, સોખડા સ્વામીનારાયણ સંસ્થાન દ્વારા બનાવનો ઈનકાર કર્યો હતો. આ સમગ્ર બનાવની સ્પષ્ટતા કરતાં પ્રવક્તા સંત ત્યાગવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, આ બનાવ ગેરસમજથી બન્યો છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, વડોદરાના સમર્પિત સત્સંગી પરિવારનો દીકરો અનુજ ચૌહાણ કેટલાય સમયથી હરિધામ મંદિરમાં રહીને સેવા કરતો હતો. તે સેવક કેટલીક મહિલા દર્શર્નાથીઓનો વીડિયો ઉતારી રહ્યો હોય તેવું દૂર ઊભેલા સંતોને લાગ્યું હતું. જેથી સંતોએ સેવક અનુજ ચૌહાણને એવું ન કરવાનું જણાવી કોઈ રેકોર્ડિંગ કર્યું હોય તો ડિલીટ કરી દેવા કહ્યું હતું. પરંતુ તેણે ઈનકાર કરતાં સંતોએ તેની પાસેથી મોબાઈલ લેવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન અનુજ ચૌહાણે ત્યાં ઊભેલા એક સંતનું ગાતરિયું ઉપવસ્ત્ર ખેંચી નાખતાં બોલાચાલી થઈ હતી. મોબાઈલ મેળવવાના પ્રયાસમાં જે ઘર્ષણ થાય તે પ્રકારની ઘટના હોવાનું જણાવી આ મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં જ શાંત પાડી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે સેવક અનુજ ચૌહાણના વાલી પણ હરિધામ સોખડા આવી પહોંચ્યા હતા અને પોતે મંદિર સાથે ભક્તિભાવપૂર્ણ જાેડાયેલા હોવાનુંકહી કોઈ ફરિયાદ નહીં હોવાનું જણાવ્યું હતું.