આણંદ : આણંદની બોરસદ ચોકડી રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી દરમિયાન લોટેશ્વર મંદિરના આગળના ભાગમાં ખોદકામ વખતે સેંકડો વર્ષ પૌરાણિક કૂવો મળી આવતાં કૂતુહલ સર્જાયું હતું. મજાની વાત તો એ છે કે, કૂવાનું પાણી એકદમ શુદ્ધ અને પીવાલાયક છે! પૌરાણિક કૂવો દેખાઈ આવતાં નગરજનો જાેવાં માટે ઉમટી પડ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદમાં લોટેશ્વર મંદિરનો ઇતિહાસ ૫૦૦૦થી વધુ વર્ષ જૂનો છે. અહીં ખોદકામ દરમિયાન એક પૌરાણિક કૂવો મળી આવ્યો છે. આણંદની બોરસદ ચોકડી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનતો હોવાથી અહીં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ બાબતે મંદિરના ટ્રસ્ટીઓએ માહિતી આપી હતી કે, લોટેશ્વર મંદિરમાં ૧૫૦ ફૂટ ઊંડો પૌરાણિક કૂવો મળી આવ્યો છે. આ બાબતે પુરાતત્વ વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે. કૂવામાં દેખાઈ આવતું પાણી શુદ્ધ પીવાલાયક છે. મંદિર દ્વારા ટૂંક સમયમાં કૂવાની ફરતે લોખંડની એંગલો મૂકી દેવામાં આવશે. પરિણામે સરળતાથી લોકો દર્શન કરી શકશે.
પાંડવોની ટેક હતી, શિવલિંગના દર્શન કર્યા વગર જમતા ન હતાં!
પાંચ હજાર એકસો વર્ષ પહેલા પાંડવો જયારે વનવાસ ભોગવતાં હતાં ત્યારે તેમની એવી ટેક હતી કે, શિવલિંગના દર્શન કર્યા વગર જમતા ન હતા. ભીમને ભૂખ લાગી હોવાથી ભીમે એક યુક્તિ શોધી કાઢી હતી. ભીમે એક જાળામાં માટીનો લોટો ઊંધો પાડીને કુંતા માતાને દેખાડ્યું હતું કે, અહિં શિવલિંગ છે. એ સમયે કુંતાએ તેને શિવલિંગ ગણીને તેની પૂજા પણ કરી હતી. એવી વાયકા છે કે, આ રીતે ઊંધો પાડેલો માટીનો લોચો ત્યાં કાયમ રહી ગયો હતો અને આજે તે લોટેશ્વર મહાદેવના નામે પ્રચલિત છે. લોકો તેને લોટેશ્વર મહાદેવના નામે હજ્જારો વર્ષથી પૂજતાં આવ્યાં છે.
અહીં ખોદકામ કેમ કરવામાં આવી રહ્યું છે?
આણંદની બોરસદ ચોકડી રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી માટે મંદિરનો કેટલોક ભાગ રોડ પર હોવાથી તંત્ર દ્વારા ખસેડી લેવા સૂચનાઓ આપી હતી, જેનાં ભાગરૂપે મંદિરનો આગળનો ભાગ તોડીને ખસેડવાની કામગીરી ચાલી રહેલી છે.