સહજ સમાધિ ભલી

લેખકઃ ડો.દારા ભેંસાણિયા | 


એક દ્વિપમાં લોકપ્રસિદ્ધ ત્રણ સંતો નિવાસ કરતા હતા. ત્યાં તેમનાં દર્શન અર્થે અગણિત દર્શનાર્થીઓ આવતા હતાં. તેમની વય તો મોટી હતી પરંતુ પૂર્ણતયા નિર્દોષ બાળકો સમાન હતાં. તેઓ સર્વની સાથે સ્નેહસંયુક્ત સરળ વ્યવહાર કરતા હતા. પોતે કોઈ વિશેષ વ્યક્તિ છે તેવો ભાવ તેમના મનના કોઈ ખૂણામાં હતો નહીં.

એક દિવસે ત્યાં એક પંડિત આવી ચઢ્યા તેમને પોતાના પાંડિત્યનું અત્યંત અભિમાન હતું. તેઓ સર્વને તુચ્છ સમજતા હતાં. તેઓ અહીં દર્શનાર્થે આવ્યા નહોતા માત્ર દ્વિપની રમણીયતા અવલોકવા આવ્યા હતાં. તેમણે આ ત્રણે સંતોને દૂરથી જાેયાં, તેમના વ્યવહારનું સૂક્ષ્માવલોકન કર્યું ને મનમાં હસ્યા, સ્વગત બોલ્યા, ‘લોકો કેટલા મૂઢ છે! આ ત્રણે સંતો બુદ્ધિહીન અને અશિક્ષિત છે. તેમનામાં કોઈપણ પ્રકારની વિશિષ્ટતા નથી, છતાં લોકો તેમની પાછળ ગાંડા થાય છે.’

લોકોની ભીડ ઓછી થયા પછી પંડિતજીએ પોતાના બે શિષ્યોને તેમની પાસે મોકલ્યા. તેમણે ત્યાં જઈ કહ્યું, “આજે આ દ્વિપ પર અમારા પૂજ્ય ગુરુદેવ પધાર્યા છે. તેઓ ધર્મશાસ્ત્રોના પ્રકાંડ પંડિત છે.”

સંતો અત્યંત પ્રસન્ન થઈ ગયાં અને ઊભા થઈ તેમના સત્કાર અર્થે સામે ગયાં. તેમને તેડી લાવ્યા, ઉચ્ચ આસને બેસાડ્યા અને પોતે દીનતાપૂર્વક ભૂમિ પર બેઠા વંદન કરીને વિનંતિ કરી, પંડિતજી! આપે અહીં પધારીને અમારા પર પરમ કૃપા કરી છે. અમને હરિચર્ચા ઘણી ગમે છે. આપ તો ધર્મશાસ્ત્રોના પ્રકાંડ પંડિત છો. અમને થોડોક ઉપદેશ આપો.”

પંડિતજીનું અભિમાન પુષ્ટ થયું. તેમણે તેમને લગભગ એકાદ ઘડી ઉપદેશ આપ્યો. અંતમાં પૂછ્યું, ‘તમે કયો મંત્ર જપો છો?

ત્રણે જણ એક જ મંત્ર જપતા હતાં. તેમણે પોતાનો જપમંત્ર કહી સંભળાવ્યો તેનો ભાવાર્થ હતો,’હે પ્રભુ! અમે ત્રણ છીએ અને તમે પણ ત્રણ છો.’

પંડિતજીએ મુક્ત હાસ્ય કર્યું, ‘આને મંત્ર ન કહેવાય.આનો કશો અર્થ થતી નથી, કલ્પિત મંત્ર છે. શાસ્ત્રીય નથી.’ત્રણે એકબીજાની સામે જાેઈ આશ્ચર્યથી બોલ્યા, ‘અમે તો સાવ મૂર્ખ છીએ, અમારે શું કરવું જાેઈએ?’ પંડિતજીએ માર્ગદર્શન આપ્યું, ‘હું તમને શાસ્ત્રીય મંત્ર શીખવું છું, તેનો જ૫ નિત્ય નિયમિત કરજાે.’

તે પછી તેમણે તેમને મંત્ર શિખવાડ્યો. વહાણ ઊપડવાનો સમય થવાથી તેમણે તેમની વિદાય લીધી.વહાણ વિદાય થયું અને ત્રણે સંતો નિત્ય નિયમાનુસાર જપ કરવા બેસી ગયાં. થોડીકવાર પછી એક સંતે આંખ ઉઘાડી. તેમને યાદ આવ્યું-પોતે જૂનો જ મંત્ર જપી રહ્યો છે. તેમણે પંડિતજીએ શિખવાડેલો મંત્ર યાદ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે તેમને યાદ ન આવ્યો. તેમણે તરત જ બે સંતોને પ્રાર્થના કરી ‘તમે બંને જણ મને પંડિતજીએ નવો આપેલો મંત્ર શીખવાડો. હું તો ભૂલી ગયો છું.’

તેઓ ચમકયા. એક સાથે બોલ્યા, ‘અરે! એ તો અમે પણ ભૂલી ગયા છીએ. અત્યારે અમે જૂનો જ મંત્ર જપતા હતાં. વહાણ હજી બહુ દૂર નહિ ગયું હોય. ચાલો, આપણે તેમની પાસે ઉતાવળેથી પહોંચી જઈએ.’ તેમની પાસે અન્ય વહાણ હતું નહીં. તેમને તેની આવશ્યકતા પણ નહોતી કારણ કે તેઓ દ્વિપ બહાર ક્યાંય જતા જ ન હતા. ત્રણે જણ ઊભા થઈ સાથે દોડવા માંડયા. ભૂમિનો છેડો આવ્યો અને સાગરનો આરંભ થયો, તથાપિ તેમણે દોડવાનું ચાલુ જ રાખ્યું, તેમને સ્મરણ જ ન હતું કે તેઓ ભૂમિ પરથી જલ પર દોડી રહ્યા છે. જલ પર ચાલવાની સિદ્ધિ યોગશાસ્ત્રે પ્રબોધી છે એવું તેમને જ્ઞાન જ ન હતું. જેમણે સિદ્ધિનું નામ જ ન સાંભળ્યું હોય તો તેની પ્રાપ્તિ અર્થે કે તેના પ્રદર્શન અર્થે પ્રયત્ન જ શી રીતે કરી શકે?

વહાણના તૂતક પર કેટલાંક સ્ત્રી-પુરુષો ઊભાં હતાં. અચાનક તેમની દૃષ્ટિ જલ પર દોડતા સંતો પર પડી. તેમણે હર્ષ ધ્વનિ કર્યો. તે સાંભળી અંદર બેઠેલા પંડિતજીને કુતૂહલ થતાં તેઓ બહાર આવ્યાં. તેમણે પણ સંતોને સાગરના જળ પર દોડતા જાેયાં. આ કહેવાતા અશિક્ષિત સંતોમાં આવું અદ્‌ભુત યોગસામર્થ્ય છે તે પ્રત્યક્ષ વિલોકી તેઓ આશ્ચર્યચકિત બન્યાં. થોડીવારમાં સંતો વહાણની સમીપ આવી પહોંચ્યાં. તેમની દ્રષ્ટિ તૂતક પર ઊભેલા પંડિતજી પર પડી તેઓ અત્યંત પ્રસન્ન થયા. તેઓ તેમની નિકટ જઈ વિનમ્ર સ્વરે બોલ્યા, ‘પંડિતજી! અમે મૂર્ખાઓ આપનો આપેલો શાસ્ત્રીય મંત્ર ભૂલી ગયા છીએ તેથી આપને પુનઃ કષ્ટ આપવા આવ્યા છીએ.’

તેમની નિર્દોષતા, વિનમ્રતા અને પ્રભુભક્તિ જાેઈ પંડિતજી અતિશય પ્રભાવિત થયા. તેમનું હૃદયપરિવર્તન થયું. તેમણે દીનતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યો, ‘કૃપાળુ સંતો! આપે મને કૃપા કરી પુનઃદર્શન આપ્યાં છે તેથી હું ધન્ય બન્યો છું. આપને વારંવાર વંદુ છું. જેમ મંત્ર શક્તિ છે તેમ શ્રદ્ધા પણ શક્તિ જ છે. આપનો પ્રભુપ્રેમ જ શ્રેષ્ઠ મંત્ર છે. આપને નૂતન મંત્રની લેશ પણ આવશ્યકતા નથી. આપ જે જૂનો મંત્ર જપો છો તે જ મંત્ર જપ્યા કરજાે.’

ભોળા સંતોના મનનું સમાધાન થઈ ગયું. તેઓ વહાણની દિશામાં જે રીતે સાગરના જલ પર દોડતા આવ્યા હતા તે જ રીતે દ્વિપની દિશામાં જલ પર દોડતા પાછા ફર્યા. કેટલી બધી સહજતા હતી આ સંતોમાં! જ્યાં સહજતા છે ત્યાં સુખ અને સિદ્ધિ છે. જ્યાં તૃષ્ણા, અભિમાન અને દર્પ છે ત્યાં દુઃખ અને દરિદ્રતા છે. નાનાં બાળકોમાં જેવી સહજતા, નિર્દોષતા હોય છે તેવી સહજતા, નિર્દોષતા જીવનમાં હોવી જાેઈએ. સરળતા સુખની અને વક્રતા વિષાદની જનની છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution