રૂપાલાએ ફરીથી ક્ષત્રિય સમાજની માફી માગી

રાજકોટ ભૂલ મારી છે, બધાએ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેનું નિમિત્ત બન્યો હું. મારે કહવું છે કે હુ માણસ છું. માણસ માત્ર ભૂલને પાત્ર. મેં તે વખતે પણ તરત જ માફી માગી હતી. મારા મનમાં કંઈ ન હતુ. આગળ જતા પણ સમાજની વચ્ચે પણ માફી માંગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે, હવે મત અને રાજનીતિનો વિષય નથી, પરંતું હવે હું પરસોત્તમ રૂપાલા, ભાજપનો કાર્યકર્તા અને જાહેરજીવનનો કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાઈ છે, અને માફી માંગી હતી, તેનો એક ભાવાર્થ એ પણ નીકળતો હતો કે, ચૂંટણી છે તો રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ વિનંતી કરું છું, સમાજને કહુ છું,. અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત મારુંનિવેદન નથી. હું આપ સૌને કહેવા માગું છું કે, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે. તેમને કંઈ પણ નાનુંમોટું થયું હશે તે મારા માટે પીડાદાયક બાબત છે. તેથી આપ સૌને નમ્રતાપૂર્વક, માફી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતમાં છું, વિનંતી કરવાના મતમાં છું. કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી સમાજ માટે કંશુંક કહેવાનું મન થાય એવી બાબતોથી પર રહી, ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા આગળ વધે તેવી નમ્ર વિનંતી, નમ્ર અપીલ આપ સૌને છે. મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે. તો હું આ સૌની સામે દિલગીરી વ્યક્ત કરું છુ, ક્ષમા ચાહુ છું. તમને સૌને નમ્ર અનુરોધ છે કે તમ સૌએ જ રીતે સાથ આપ્યો છે તેની પ્રશંસા કરું છું. મિચ્છામી દુક્કડમ. આ શબ્દો છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, જેમણે આજે ચોથીવાર ક્ષત્રિય સમાજની જાહેરમાં માફી માંગી છે. આ માફી એવા સમયે આવી છે, જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયું છે અને ઓછું મતદાન થયું છે. ક્ષત્રિય સમાજના આંદોલનની ચૂંટણી પર કેવી અસર થઈ તે તો પરિણામથી જ ખબર પડશે, પરંતું ઓછું મતદાન બતાવે છે કે, આ આંદોલનની અસર રહી હશે. ગઈકાલે ગાંધીનગરમાં પણ અમિત શાહે ઓછા મતદાન બાદ રાતોરાત મીટિંગ કરીને નેતાઓ સાથે સમીક્ષા કરી હતી. ગઈકાલે મતદાન બાદ પરસોત્તમ રૂપાલાએ રાજકોટવાસીઓનો આભાર વ્યક્ત કર્યો, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને આભાર માન્યો હતો. સાથે જ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર, આગેવાનો અને કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. પરંતું મતદાનના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં ક્ષત્રિયોની માફી માંગી હતી. પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી પછી ઉમેદવાર હળવા મૂડમાં જાેવા મળ્યા હતા. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ મતદારોનો આભાર માન્યો હતો. તેઓએ લોકસભા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે નિખાલસ એકરાર કર્યો તે, ૪૦ વર્ષની કારકિર્દીમાં સૌથી કઠિન સમયમાંથી પસાર થયો. શાંતિથી મતદાન પૂર્ણ થયું. તેમણે કહ્યું કે, મારા એક નિવેદનથી આખી ચૂંટણીમાં વમળો સર્જાયા. મારાથી થયેલ ભૂલને કારણે ક્ષત્રિય સમાજ માટે નિમિત્ત બની. અમારી આખી પાર્ટીએ પણ સહન કરવું પડ્યું. મારા વક્તવ્ય પાર્ટી માટે એસેટ હતા, પણ હું ઉમેદવાર બન્યો અને મારા નિવેદનથી પાર્ટીને નુકસાન થયું. મારી ભૂલનો હું એકરાર કરું છું. મારી ભૂલની મેં ફોનમાં પણ વન ટુ વન માફી માંગી હતી. ક્ષત્રિય સમાજના લોકોની લાગણી દુભાઈ છે. ચૂંટણીમાં માફી માંગવી તેનો અર્થ બીજાે પણ નીકળતો હોઈ તે સ્વભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. તેમણે આગળ કહ્યું કે, મતદાનના દિવસે સારામાં સારી વાત એ રહી કે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થયું, ક્યાંય માથાકૂટ થઈ નથી. ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા મારા કરતાં મારી પાર્ટીએ શાંત કરવાનો પ્રયાસ કર્યા છે. ઓછું મતદાન થાય કે વધારે તેનાથી ભાજપને અસર થાય તેવું નથી. બન્ને પક્ષને અસર થતી હોય છે. સ્પર્ધામાં થવી જરૂરી છે.

દરેક લોકસભા બેઠક પર પાંચ લાખની લીડ ભૂલી જાઓ, ગુજરાતમાં પૂરા ૨૬ કમળ પણ નહીં ખીલેઃ ક્ષત્રિય સંકલન સમિતિ

ગુજરાતમાં લોકસભા બેઠકોની ૨૫ બેઠકો પર મંગળવારે શાંતિપૂર્ણ મતદાન થયું છે. ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો છે કે આ વખતે ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે. તેમા ચાર બેઠકો પર ભારે રસાકસી છે. ક્ષત્રિય આંદોલનના લીધે ભાજપને સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ પર જીત મેળવવી અઘરી છે. મતદાનના દિવસે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. મતદાન પૂરું થયા પછી ક્ષત્રિય સંકલન સમિતિએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારમાં ૮૦ ટકાથી વધારે મતદાન થયું છે. તેની સામે નીરસ મતદાનના લીધે ભાજપના કાર્યકરોએ થાળીઓ લઈને નીકળવું પડ્યું હતું. સંકલન સમિતિનો બોલ ક્ષત્રિય સમાજે ઝીલ્યો છે, જેના લીધે વધારે મતદાન થયું છે. આ ઉપરાંત ક્ષત્રિયોને અન્ય સમાજનો સાથ સહકાર મળ્યો છે. મતદાનના દિવસ સુધી કોઈ અનિશ્ચિત ઘટના કે ઘર્ષણ થયું નથી. ક્ષત્રિય સંકલન સમિતિના મતે જે રીતે મતદાન થયું છે તે જાેતાં ગુજરાતમાં ભાજપ સાતેક બેઠકો ગુમાવશે. ચારેક બેઠકો પર રસાકસી જામશે. અન્ય બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવાના સપના પૂરા નહી થાય.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution