વડોદરા-
કોરોના અનુસંધાને સરકારે કેટલાક કોરોના નિયમોને આધિન નવરાત્રી ઉજવવાની છૂટછાટ આપતા આમ પ્રજામાં ખુશી વ્યાપી ગઈ છે. તે સાથે રાજ્યભરમાં રાત્રે બારથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં રાખવામાં આવેલ છે. બીજી તરફ સરકાર દ્વારા જન આશીર્વાદ યાત્રાનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવતા રાજ્યભરમાં જન આશીર્વાદ યાત્રાઓ સામાન્ય લોકોના જાેડાયા વગર નીકળી રહી છે. તો જે પ્રકારે પ્રજાકિય આવકાર મળવો જાેઇએ તે મળી રહ્યો નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે.....! પરંતુ નોંધનીય બાબત એ રહી છે કે જન આશીર્વાદ યાત્રામા કોરોના નિયમોની એસી તૈસી જેવો ઘાટ બની ગયો છે. ત્યારે યાત્રામાં જાેડાયા રાજ્યના નેતાઓ, સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સહિતના એક પણ ના મોઢા પર માસ્ક જાેવા મળતાં નથી...કે જેની અસર સામાન્ય પ્રજા ઉપર પડતી હોય છે. ત્યારે સમજદાર નાગરિકો સવાલ કરી રહ્યા છે કે કોરોના નિયમોનું પાલન માત્ર આમ પ્રજાએજ કરવાનુ છે....? આ નિયમોથી રાજકીય કાર્યક્રમોને મુક્તિ આપવામાં આવી છે....? જાે કે રાજ્યમાં હવે કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી હોય તેવી સ્થિતિ બની ગઈ છે.
રાજ્યમાં વડોદરા શહેરમાં ૨૦ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે ૩૩ લોકો કોરોનાની ચપેટમાં આવી ગઈ જેમાં ૨૨ વ્યક્તિ એવી હતી કે જેઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હતા... જે કારણે લોકોમાં રસી બાબતે શંકા પેદા થઈ હતી! પરંતુ હવે તે શંકા પણ દૂર થઈ જવા પામી છે. લોકો નવરાત્રી ભારે ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છે પરંતુ કોઇના મોઢે માસ્ક દેખાતા નથી કે નથી કોરોના નિયમોનું પાલન થતું. લોકોમાં કોરોનાનો ડર રહ્યો નથી અને એવું પણ સમજી રહ્યા છે કે કોરોના ખતમ થઈ ગયો છે. જાેકે સરકારે કોરોના કાળ પછી છૂટછાટો આપતા ઉદ્યોગો, વેપાર-ધંધા ધમધમવા લાગ્યા છે અને સામાન્ય વર્ગના લોકોના ખીસ્સામાં પૈસા આવતા બજારોમાં ખરીદી નીકળતા બજારોની રોનક પુનઃ ખીલી ઉઠી છે. પરંતુ નવરાત્રી પહેલાની ખરીદીમાં જે તે બજારોમાં મોઢા પર માસ્ક વગરની ભીડ જાેઈને આરોગ્ય તંત્ર અને સમજદાર, જાગૃત લોકોમા દહેશત વ્યાપી ગઈ હતી?
બીજી તરફ મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યમા કોરોના કેસ વધવા લાગ્યા છે અને તેમાં પણ શાળાના વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમા આવતા ચિંતાનો માહોલ ફરી વળેલ. આ બંને રાજ્યોના લોકો ગુજરાતમાં આવે છે પરંતુ ત્યાંથી આવનારના કોરોના ટેસ્ટ કરવામાં આવતા નથી! જે ચિંતાનો વિષય છે. ત્યારે લોકોએ સાવચેત રહેવાની વધુ જરૂર છે કારણ કે હવેના દિવસો ધાર્મિક તહેવારો, ઉત્સવો અને દિવાળી પર્વના આવી રહ્યા છે. માત્ર જાગૃત લોકો જ નહીં પરંતુ રાજકીય સ્તરે પણ નિયમોનું પાલન કરવું આવશ્યક છે કારણ કે આમ પ્રજા પણ તેઓનુ અનુકરણ કરે છે. મતલબ આમ પ્રજામાં પણ તેની અસર થાય.....!