ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન જી-૨૦ સમિટ અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પાછળ કુલ મળીને રૂ. ૧૬૨,૭૫,૨૩,૭૬૯/ની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં એકરાર કરાયો છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસની બેઠકમાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન આમ આદમી પાર્ટીના જામજાેધપુરના ધારાસભ્ય હેમંત હરદાસભાઈ ખવાએ સવાલ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે તા. ૩૧-૦૧-૨૦૨૫ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઉદ્યોગ પ્રભાગ તાબા હેઠળ ઇન્ડેક્સ-બી દ્વારા કેટલા મહોત્સવો, સમિટ અને શો યોજવામાં આવ્યા હતા? ઉક્ત મહોત્સવ, સમિટ અને શો વાર ક્યાં હેતુ માટે કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો? તેની માહિતી માંગી હતી. ધારાસભ્ય હેમંત ખવાના સવાલના પ્રત્યુત્તરમાં રાજ્યના ઉદ્યોગ મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ઉક્ત સ્થિતિ છેલ્લા બે વર્ષમાં જી-૨૦ દેશોની ભારતની અધ્યક્ષતા દરમિયાન ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ બેઠકો/મિટિંગો યોજાઇ હતી. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નું આયોજન કરાયું હતું.આ આયોજન અંતર્ગત જી-૨૦ દેશોની ભારતની અધ્યક્ષતા દરમિયાન ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ બેઠકો અને મિટિંગોનું આયોજન કરાયું હતું. જે અંગે રૂ. ૪૮,૨૧,૯૩,૮૯૩/ની રકમનો ખર્ચ થયો હતો. જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના આયોજન પાછળ કુલ મળીને રૂ. ૧૧૪,૫૩,૨૯,૮૭૬/ની રકમનો ખર્ચ થયો હતો. આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારના ઉદ્યોગ પ્રભાગના તાબા હેઠળના ઇન્ડેક્સ-બી દ્વારા કુલ મળીને રૂ. ૧૬૨,૭૫,૨૩,૭૬૯/ની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું.