“ગુલાબી લેવાં હો!”

લેખકઃ રાજેશ વાઘેલા | 

નાનકડી એવી રીતુ મોટી બિમારીમાં સપડાઈ ગઈ હતી. વિનયભાઈ એને કશીય ખોટ આવવા દેતા ન હતાં. સારવારમાં પણ એણે કોઈ કચાશ રાખી નહતી. કોઈ જ્યાં કહે, જે ડોક્ટરને બતાવવાનું કહે, અરે, કોઈ ગમે તેવી આકરી માનતા રાખવાનું કહે એ રાખી લેતાં.

પણ, આખરે એક દિવસ રીતુ બધાને છોડીને જતી રહી. રીતુની બધી વિધિ પતી ગઈ હતી. ઘડીકની પળમાં એ કાચની છબીમાં મઢાઈ ગઈ હતી. વિનયભાઈ આજે ઓફિસ જવા માટે નીકળતા હતા. ચંપલ સ્ટેન્ડ પર એની નજર પડી. એમાંથી જાણે અવાજ આવ્યો..

“પપ્પા આવા ગુલાબી લેવા હો!”

 એ સ્તબ્ધ બનીને ખોવાઈ ગયા.

કોઈ પણ જગ્યાએ નવીન બૂટ-ચંપલ જુવે એટલે રીતુ વિનયભાઈને અચુક કહે, “પપ્પા, આવા ગુલાબી લેવા હો!”

 અને દરેક કલર એના માટે ગુલાબી જ. એ જ્યારે બજાર જાય ત્યારે એની એક જ માંગણી હોય “પપ્પા, મારી હાટું ગુલાબી ચંપલ લેતા આવજાે,હોં ને!”

ઘરે આવે એટલે તરત જ પૂછે, “પપ્પા, ગુલાબી ચંપલ લાવ્યા મારી હાટું?”

એને તેડી લઈને વિનયભાઈ કહેતાં, “હું તો સાવ ભૂલી જ ગયો, બેટા. આપડે બેય જાશું ને બજારમાં ત્યારે લઈ લેશું.” રીતુ એમ પાછી માની પણ જતી. જીદ ક્યારેય ના કરતી પણ બજારમાં સાથે આવે ત્યારે જાે બૂટ-ચંપલ જાેઈ જાય તો લેવડાવતી. એમ ઘરે એને પંદર-વીસ જાેડી બૂટ-ચંપલ ભેગા કરેલાં.

પંદર-વીસ જાેડી બૂટ-ચંપલ હોવા છતાંય એ વિનયભાઈના મોટાં બૂટ પણ પહેરી લેતી. મોટા બૂટમાં એ પગ નાંખીને ખદ્‌ડગ્‌..ખદ્‌ડગ્‌.. ચાલતી ત્યારે એનો ચહેરો ખીલી ઊઠતો. એ જાેઈને વિનયભાઈ કહેતાં, “બેટા, એમાં તું પડી જાય. નાના પેહરાય.” પણ રીતું માને જ નહીં. કહેતી, “પપ્પા, હું નો પડું.”

 વિનયભાઈની સ્તબ્ધતા તૂટી. એને લાગ્યું કે જાણે દરેક ચંપલ ગુલાબી રંગનું બની ગયું છે. આખું સ્ટેન્ડ જ ગુલાબી ગુલાબી અને દરેક ચંપલમાંથી અવાજ આવતો હતો- “પપ્પા આવા ગુલાબી લેવા હો..!” એમની આંખો ભીંજાઈ ગઈ. ભારે હૈયે એ બૂટ પહેરવા ગયા. બૂટમાંથી જાણે ખદ્‌ડગ્‌ ખદ્‌ડગ્‌ અવાજ આવ્યો. તરત જ એણે બૂટ મૂકી દીધા અને ઉઘાડા પગે જ ઓફિસ જવા નીકળી ગયાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution