ન્યૂયોર્ક, :ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમ અમેરિકા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 2 જૂનથી શરૂ થનારી ટૂર્નામેન્ટની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રોહિત શર્મા અને કંપની ટુર્નામેન્ટ માટે બે બેચમાં યુએસએ જવા રવાના થયા હતા. જો કે વિરાટ કોહલી હજુ સુધી અમેરિકા પહોંચ્યો નથી. તે આજે વર્લ્ડ કપ માટે ઉડાન ભરી શકે છે. ભારતીય ટીમ 5 જૂનથી વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા 1 જૂને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાશે.ભારતીય ખેલાડીઓ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ન્યૂયોર્કની મુલાકાત લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તે ટાઈમ્સ સ્ક્વેરની સડકો પર લટાર મારતો અને ચાહકો સાથે ફોટો ક્લિક કરતો જોવા મળ્યો હતો. હવે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આવામાં બંને ક્રિકેટર ન્યૂયોર્કમાં ભારે વરસાદમાં ફસાઈ જાય છે. આ પછી રોહિત ડ્રાઈવરને કેબને રોડ પાસે લાવવાનો ઈશારો કરે છે. કેબ નજીક આવતા જ બંને એક બિલ્ડિંગમાંથી કેબ તરફ દોડે છે. આ દરમિયાન ત્યાં હાજર એક ચાહકે સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.