દિલ્હી-
બિહારની ચૂંટણી વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) માટે એક સારા સમાચાર આવ્યા છે. ચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ચાયબાસા ટ્રેઝરી કેસમાં જામીન મળી ગયા છે. જોકે, લાલુ હજી જેલ છોડશે નહીં, કેમ કે દુમકા ટ્રેઝરી કેસની સુનાવણી હજી બાકી છે. મહત્ત્વની વાત એ છે કે લાલુએ ચાઇબાસા ટ્રેઝરી કેસમાં પોતાની અડધી સજા પૂર્ણ કરી છે.
લાલુ યાદવના જામીન પર આરજેડીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'લાલુ પ્રસાદ જીને અડધી સજાની અવધિ પૂરી થવા પર ચોથા કેસમાં જામીન મળી ગયા છે. અત્યારે એક કેસ બાકી છે, 9 નવેમ્બરના રોજ સજાની અડધી અવધિ પૂર્ણ થતાં, તેઓ બહાર આવી શકશે. ઘણા રોગો અને વય હોવા છતાં, નીતીશ-બીજેપીના તિડકમે તેમને બહાર આવવા દીધા નહોતા.
નોંધપાત્ર વાત એ છે કે ચાયબાસા ટ્રેઝરી કેસમાં લાલુ યાદવે અડધી સજા પુરી કરીને જામીન માટે અરજી કરી હતી. છેલ્લી સુનાવણીમાં સીબીઆઈએ કહ્યું હતું કે અડધી સજા પૂરી કરવામાં હજુ 26 દિવસ બાકી છે. આ પછી કેસની સુનાવણી 9 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી. આજે લાલુ યાદવને ચાયબાસા કેસમાં જામીન મળી ગયા છે.
જો કે, ચાયબાસા કેસમાં જામીન મળ્યા પછી પણ, લાલુ યાદવને જેલમાં રહેવું પડશે, કેમ કે તે ઘાસચારા કૌભાંડના દુમકા કેસમાં દોષિત છે અને આ કેસમાં તેમને હજી સુધી જામીન મળ્યા નથી. દુમકા કેસમાં લાલુ યાદવની અડધી સજા નવેમ્બરમાં પૂર્ણ થશે. લાલુ યાદવના વકીલો આશા રાખી રહ્યા છે કે નવેમ્બર પછી તેઓ જેલમાંથી બહાર આવી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન લાલુ યાદવની જામીનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ અગાઉ ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં લાલુ યાદવને જામીન મળી ચૂક્યા છે. લાલુ યાદવ હાલમાં રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ છે. અગાઉ તે રિમ્સના પેઈંગ વોર્ડમાં રહેતા હતા, પરંતુ કોરોના ચેપને પગલે તેને ડિરેક્ટરના બંગલામાં રાખવામાં આવ્યા છે.