રાઈટ ટુ ડિસ્કનેક્ટ ઃ નવા જમાનાની નવી માંગ

આધુનિક ટેકનોલોજીના યુગમાં ઓફિસવર્ક ઘણું સરળ અને ઝડપી થયું છે. તેની સાથે કેટલીક તકલીફો પણ ઉભી થઈ છે. આપણી પાસે ડિજિટલ ટેક્નૉલૉજી નહોતી ત્યારે કર્મચારીઓને આજના યુગની અમુક પ્રકારની હાડમારીઓનો સામનો કરવાનો રહેતો નહીં એ પણ હકિકત છે. લેપટોપ અને મોબાઈલ ફોન એક અર્થમાં એની સાથે તમારી ઓફિસ આખીને લઈને ઘરે આવે છે. જ્યારે પહેલાં, લોકો શિફ્ટના અંતે ઘરે જતા હતા અને બીજા દિવસે તેઓ પાછા ન આવે ત્યાં સુધી ઓફિસના કામને અડવાનું રહેતું નહીં.

હવે, વૈશ્વિક સ્તરે ઓફિસના કલાકો પછી અને રજાઓ દરમિયાન પણ ઈમેઈલ, એસએમએસ, ફોન કૉલ્સ પર કામ કરવાનું સામાન્ય થઈ ગયું છે. વળી, ડિજિટલ ટૂલ્સ અને રિમોટ વર્કિંગ દ્વારા સંચાલિત સતત કનેક્ટિવિટીની વાસ્તવિકતાએ વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચેની રેખાઓને ધૂંધળી કરી નાંખી છે.

આમ તો કામમાં સતત વ્યસ્ત રહેવું એ ઉત્પાદકતામાં વૃદ્ધિ એવું અર્થઘટન આપણે કરીએ.પરંતુ સંશોધન બતાવે છે કે વાસ્તવમાં કામના અતિ બોજની વિપરિત અસર થઈ શકે છે, જેનાથી થાક, સર્જનાત્મકતામાં ઘટાડો અને એકંદરે નોકરીના સંતોષમાં ઘટાડો થાય છે. વિરામ વિના સતત કામ કરવાથી લાંબા સમય સુધી તણાવને કારણે ભાવનાત્મક, શારીરિક અને માનસિક થાકની સ્થિતિ ઉત્પન્ન થાય છે જેને બર્નઆઉટ કહેવાય છે. મોડી સાંજ સુધી કામ સંબંધિત તણાવનો સામનો કરવાથી ઊંઘની પેટર્નમાં ખલેલ પડી શકે છે. જે માત્ર જ્ઞાનાત્મક કાર્યને જ વિક્ષેપ નથી કરતું. પરંતુ સાથોસાથ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે નબળી રોગપ્રતિકારક શક્તિ અને હાઈ બ્લડપ્રેશર જેવા ક્રોનિક રોગોનું જાેખમ પણ વધારે છે. વ્યક્તિ પર કામ પતાવવાનો બોજાે હોય ત્યારે દેખિતી રીતે આરામની ઈચ્છા મરી પરવારે છે. પરંતુ તેનાથી સતત થાક અનુભવાય છે અને ઉત્પાદકતા પર નકારાત્મક અસરો થાય છે.

૨૦૨૧માં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(આઈએલઓ) સહિતની ઘણી સંસ્થાઓના લેખકોએ પુષ્ટિ કરી કે દર વર્ષે હૃદયરોગથી મૃત્યુ પામેલા લોકોમાંથી ત્રણ ચતુર્થાંશ એવા લોકો છે જેમણે લાંબા કલાકો કામ કર્યું હતું. આમાંથી, ઘણા એવા હતા જેઓ અઠવાડિયામાં ૫૫ કલાકથી વધુ કામ કરતા હતા. બીબીસીએ એક અહેવાલમાં આનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મેલેરિયાથી વધુ મૃત્યુ વધુ કામ કરવાને કારણે થઈ રહ્યા છે.આ એક વૈશ્વિક આરોગ્ય કટોકટી છે, જેના પર વ્યક્તિઓ,કંપનીઓ અને સરકારો સમાન ધ્યાન આપે એ આજના સમયની માંગ છે.

ઉપરોકત બાબતને અનુલક્ષીને તાજેતરમાં ઑસ્ટ્રેલિયાએ ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ લો’ પસાર કર્યો છે જે કર્મચારીઓને ઑફિસ સમય પછી ઑફિસના કામ સંબંધિત કોઈપણ પ્રકારના કૉલ્સ/ઈમેઈલને અવગણવાનો અધિકાર આપે છે. ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ કર્મચારીઓને કામના કલાકો પછી તેમના એમ્પ્લોયર સાથેના સંપર્કમાંથી કાયદેસર રીતે ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓ કામના કલાકો પછી ઇમેઇલ્સ, ફોન કૉલ્સ અથવા અન્ય સંચારનો જવાબ આપવા માટે બંધાયેલા નથી. આ બીલનો ઉદ્દેશ્ય ઓફિસ વર્ક અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવાનો અને આજના ડિજિટલ યુગમાં ઓફિસ વર્ક અને પર્સનલ લાઈફ વચ્ચે વધતા તણાવને ઘટાડવાનો છે. ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ આવી જ માંગ વધી રહી છે.

ખાસ કરીને ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ કર્મચારીઓને કામના કલાકો પછી તેમના એમ્પ્લોયર સાથેના સંપર્કમાંથી કાયદેસર રીતે ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપે છે. તો, ‘કામના કલાકોમાં ઘટાડો થવાથી ઉત્પાદકતામાં વધારો થાય, લોકોની ઓવરઓલ સુખકારીમાં પણ વૃદ્ધિ થાય...’ આ નિવેદન પ્રથમ નજરમાં આકર્ષક લાગે છે પરંતુ તે કાર્ય, ઉત્પાદકતા, વૃદ્ધિ અને પ્રેરણાની જટિલ ગતિશીલતાનું મહત્વ ઓછું કરી નાંખે છે. આઇસલેન્ડમાં હાથ ધરવામાં આવેલા પ્રયોગો વારંવાર પુરાવા તરીકે ટાંકવામાં આવે છે કે કામના ઓછા કલાકો કામદારોને ખુશ અને વધુ ઉત્પાદક બનાવે છે; જાે આ દલીલની ઊંડાણપૂર્વક વિચાર કરશો, ખાસ કરીને જ્યારે આવા તારણોને યુવા ભારતીય કાર્યબળ અને ભારતીય આર્થિક માળખા જેવા વિવિધ સંદર્ભે જાેઈએ તો, તેમાં ઘણી ખામીઓ દેખાય છે.

 વિકસિત દેશો, જ્યાં જાહેર ક્ષેત્રની નોકરીઓની ઊંચી ઉપલબ્ધતા છે,જ્યાંની અર્થવ્યવસ્થા સખત ઉત્પાદકતાના મેટ્રિક્સ પર ઓછી ર્નિભર છે, તેની તુલના ભારત સાથે કરી શકાય નહીં. કેમ કે અહીં યુવાનોની વસતી વધી રહી છે અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો વિકસી રહ્યા છે જ્યાં કર્મચારીઓ માટે ઉચ્ચ પ્રદર્શન ખૂબ મહત્વનું બની રહે છે. આરામ પર વધુ ફોક્સ કરીએ ત્યારે એ હકિકતની અવગણના થાય છે કે, કાર્ય સંતોષ સુખાકારીનો ઊંડો સ્ત્રોત બની શકે છે તેમજ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આમ, સતત પ્રયત્નો, હાર્ડવર્ક દ્વારા વ્યાવસાયિક વિકાસના ફળ પામીને વિકસી રહેલી આપણી અર્થવ્યવસ્થા માટે, કામના કલાકોમાં ઘટાડો વૃદ્ધિને ધીમી પાડી શકે છે અને બજારની માંગને પ્રતિસાદ આપવાની ક્ષમતાને ઘટાડી શકે છે - આ એક મોટું જાેખમ છે જે ભારતીય અર્થતંત્રને પોસાય તેવું નથી. તેમ છતાં, થોડાઘણા જરૂરી સુધારા વધારા સાથે, ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ લાગુ કરવો એ માનવીય અભિગમ છે, ઇચ્છનીય છે અને અનિવાર્ય પણ છે.

એમ કહી શકાય કે, ઓસ્ટ્રેલિયન કર્મચારીઓને કામના નિશ્ચિત કલાકો પછી, ઓફિસ કૉલ્સને અવગણવાની મંજૂરી આપતા કાયદાઓની રજૂઆત વર્ક-લાઇફ બેલેન્સ વિશે વૈશ્વિક સ્તરે પરિવર્તનરુપ એક નોંધપાત્ર પગલું છે.

(બોક્સ) શું છે ઓસ્ટ્રેલિયાનો રાઈટ ટુ ડિસ્કનેક્ટ કાયદો?

ઓસ્ટ્રેલિયાનો 'રાઈટ ટુ ડિસ્કનેક્ટ’માં નીચે મુજબ પ્રાવધાન છે.

●આ નવા સુધારા હેઠળ, ઑસ્ટ્રેલિયામાં કર્મચારીઓ તેમના સત્તાવાર કામકાજના કલાકો પછી સંદેશાઓ અથવા ઇમેઇલ્સ જેવા કોઈપણ કાર્ય સંબંધિત સંદેશાવ્યવહાર વાંચવા અથવા તેનો જવાબ આપવાનો ઇનકાર કરી શકે છે.

● જાે કે, જાે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આમ કરવાનું અયોગ્ય માનવામાં આવે, તો આ અધિકાર લાગુ થશે નહીં. અહીં, ‘અયોગ્ય’ શું છે તે નિર્ધારિત કરતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળોમાં, કર્મચારીના કામનો પ્રકાર, સંપર્ક કરવો જરૂરી હતો કે કેમ, સંપર્કથી કર્મચારીને કેટલી અસુવિધા થઈ છે, કર્મચારીને ઓવરટાઇમ કામ માટે ચુકવણું કરવામાં આવે છે કે કેમ? જાે હા તો, કેટલી રકમ ચૂકવવામાં આવે છે...વગેરે બાબતોનો સમાવેશ થાય છે.ૃ

● આ અધિકાર ૧૫થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ માટે લાગુ થયો છે. નાના ઉદ્યોગો માટે, તે ૨૬ ઓગસ્ટ,૨૦૨૫થી અમલમાં આવશે.

ઓસ્ટ્રેલિયા સિવાય, ઇટાલી, સ્પેન, જર્મની, આયર્લેન્ડ, પોર્ટુગલમાં આ કાનૂન લાગુ છે. ભારતમાં, બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ ૨૦૧૮માં 'રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ પર બિલ રજૂ કર્યું હતું, જાેકે તેને ક્યારેય ચર્ચા માટે લાવવામાં આવ્યું નહતું. બિલમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે દરેક રજિસ્ટર્ડ કંપની અને સોસાયટીએ કર્મચારીઓની કલ્યાણ સમિતિની રચના કરવી જાેઈએ જેથી કર્મચારીઓને કામની બહાર કામના કલાકો માટે એમ્પ્લોયર સાથે નિયમો અને શરતોની વાટાઘાટ કરવામાં મદદ મળે. આ બિલનો ડ્રાફ્ટ વૈશ્વિક જાેગવાઈઓથી પ્રેરિત હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution