વડોદરા
પોરમાં રહેતા બેંકના નિવૃત્ત કર્મચારી મોડી સાંજે દુધ લેવા માટે નીકળતા તેમને રસ્તામાં ત્રણ ગઠિયાઓ મળી ગયા હતા જે પૈકી એક ગઠિયાએ અહીના એક ડોક્ટર મારો શિષ્ય છે અને તેના પુત્રના નામકરણ માટે આવ્યો છું તેમ કહીને વૃદ્ધ પાસેથી અછોડો, વીંટીઓ અને પાકિટ સહિત ૪૪ હજારથી વધુની મત્તા લઈને વૃધ્ધને સ્ટ્રીટ લાઈટના થાંભલા ગણવા મોકલી ગઠિયાઓ ફરાર થયા હતા.
પોરના વણકરવાસમાં રહેતા ૬૫ વર્ષીય અંબાલાલ વણકર કાયાવરોહણની સેન્ટ્રલ બેંકમાંથી ચાર વર્ષ અગાઉ નિવૃત્ત થયા છે. ગત ૧૭મી તારીખના સાંજે તે દુધ લેવા માટે પોર જુના પુલની આગળ તબેલામાં જવામ ાટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વેરાઈ માતાના મંદિરની પાછળ તેમને એક ગઠિયાએ આવીને આર કે શર્મા ડેન્ટલ ક્લિનિક કહાં હે તેમ પુછી તેમને રસ્તામાં આંતર્યા હતા. આ દરમિયાન ગઠિયાના અન્ય બે સાગરીતો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તે પૈકીના એક ગઠિયાએ અહીના ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર મારા શિષ્ય છે અને હું તેમના પુત્રના નામકરણ કરવા આવ્યો છું તેમ કહી સહગઠિયા પાસેથી પૈસા લઈ તે અંબાલાલના હાથમાં મુક્યા હતા અને પૈસા આપનાર સાગરીતને સ્ટ્રીટલાઈટના ચાર થાંભલા ગણવા મોકલ્યો હતો.
તે થાંભલા ગણીને આવતા ગઠિયાએ અંબાલાલને આપેલા પૈસા પરત લીધા હતા અને તેમને પણ ો અછોડો, વીંટી અને રોકડા તેમજ અસલ ઓળખપત્રો સહિતનું પાકિટ આપવા જણાવ્યું હતું. અંબાલાલે દાગીના અને પાકિટ સહિત ૪૧,૮૦૦ની મત્તા આપતા ગઠિયાએ તેમને ચાર થાંભલા ગણવા મોકલ્યા હતા અને તેઓ ફરાર થયા હતા. આ બનાવની અંબાલાલે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ઠગ ત્રિપુટી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.