રિવર્સ બાગબાન : આવું પણ હોઈ શકે?

આપણે ત્યાં અમુક માન્યતાઓ એવી ઘર કરી ગઈ છે કે તેનો સમૂળગો નાશ કરવો અત્યારે તો અશક્ય જ લાગે છે. જ્યારે પણ કોઈ સ્ત્રી પુરુષ પર આરોપ મૂકે ત્યારે સમાજ અન્ય કોઇપણ વિચાર કે તર્ક લડાવ્યા વગર સીધો પુરુષને જ દોષી માની લે છે. આવી જ એક ભાવના માતાપિતા અને સંતાનો વચ્ચે થતી માથાકૂટ બાબતે પણ છે.

‘બાગબાન’ એ ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી વધુ લોકપ્રિય ફિલ્મોમાંથી એક છે. આમ જુઓ તો ફિલ્મની કથામાં કશું નવું નથી. પિતા નિવૃત્ત થઈને પોતાનું સઘળું સંતાનોમાં એટલા માટે વહેંચી આપે છે કે તે પોતાની નિવૃત્ત જિંદગી આરામથી વિતાવી શકે. પરંતુ પિતાનું સઘળું મેળવ્યા બાદ સંતાનોમાં માતાપિતા અણગમતી જવાબદારી હોવાનું લાગવા માંડે છે.

પછી માતાપિતા જે આ ઉંમરે એકબીજાની હૂંફમાં રહેવાનું પસંદ કરી રહ્યા હતા તેમના બે ભાગ કરી દેવામાં આવે છે અને અમુક સમય તેઓ જુદાજુદા સંતાનો સાથે રહે એવું નક્કી કરવામાં આવે છે. આ પરિસ્થિતિ કોઇ પણ વૃદ્ધ દંપત્તિ માટે અસહનીય છે જ એમાં શંકાને કોઈજ સ્થાન નથી.

આપણી સંસ્કૃતિ પશ્ચિમી દેશો કરતાં સાવ જુદી છે. ત્યાં માતાપિતા અને સંતાનો અલગ અલગ રહે અને વિકેન્ડ કે રજાઓમાં મળે તે સ્વાભાવિક છે. અહીં માતાપિતા મૃત્યુ સુધી સંતાનો સાથે રહે તે સ્વાભાવિક છે. પરંતુ હવે સમય બદલાયો છે. ‘બાગબાન’માં તો એવું દેખાડ્યું છે કે સંતાનોના વાંકે માતાપિતાને આ ઉંમરે અલગ થવું પડ્યું હતું, પરંતુ ઘણીવાર વાંક સંતાનોનો કે માત્ર સંતાનોનો નથી હોતો.

ગઈ સદીમાં જનરેશન ગેપ નામની એક ભાવના ખાસ્સી લોકપ્રિય થઇ હતી. સંતાનો અને માતાપિતા વચ્ચે કોઈ બાબતે સમાધાન કે સમજૂતી ન થાય તો તેને જનરેશન ગેપનું નામ આપી દેવામાં આવતું. જાે કે આ જનરેશન ગેપ આજે પણ એટલો જ પ્રભાવશાળી છે. કોઇપણ વ્યક્તિને યુવાનીમાં માતાપિતાની વાતો જુનવાણી લાગે છે અને જ્યારે પોતે માતા કે પિતા બને છે ત્યારે પોતાની વાત જ ખરી લાગે છે.

આપણી આસપાસ એવા ઘણા પરિવારો જાેવા મળશે જ્યાં માતાપિતા પોતાનો કક્કો સંતાન સમક્ષ ખરો કરાવતા જાેવા મળશે. આ કિસ્સાઓમાં આર્થિક કારણસર કે પછી ફક્ત માતાપિતાનું સન્માન જાળવવા માટે પણ સંતાનો તેમની સરમુખત્યારશાહીને સહન કરી લેતા હોય છે. પરંતુ આવા કિસ્સાઓમાં સંતાનો પોતાના માતાપિતા પ્રત્યે કેટલું સન્માન ધરાવતા હશે એ તો યોગ્ય તપાસ કરીએ ત્યારે જ ખબર પડે.

પરંતુ જેમ માતાપિતાની સહનશક્તિની એક હદ હોય છે તેમ સંતાનોની પણ સહનશક્તિ ક્યારેક તો જવાબ દઈ દેતી હોય છે. આથી જ્યારે આ હદ માતાપિતા વટાવે ત્યારે સંતાનો તેમના વિરુદ્ધ બળવો પોકારતા હોય છે અને ઘરમાં ઘમાસાણ શરુ થઇ જતું હોય છે.

હવે આવીએ આપણી શરૂઆતની વાત પર. જ્યારે પણ માતાપિતાના ત્રાસથી ત્રાસીને કે તેમની માનસિકતાને કારણે સંતાનો તેમને જવાબ આપવાનો શરુ કરે છે અને ઘરમાં ઝઘડા શરુ થાય છે ત્યારે આપણા સમાજમાં તો માતાપિતા જ બાપડા-બિચારા તરીકે જાેવા મળતા હોય છે. કારણકે આપણે એવું માની ચૂક્યા છીએ કે આ ઉંમરે તો હવે કોઈ કેવી રીતે કોઈને ત્રાસ આપે અને એ પણ યુવાનોને?

પરંતુ આમ થવા પાછળના કારણો આપણે ઉપર જાેઈ ચૂક્યા છીએ. કોઈ સંતાન સરખું કમાતું ન હોય અને માતા અથવાતો પિતાનું પેન્શન ઘર ચલાવવામાં મોટો ભાગ ભજવતું હોય ત્યારે સંતાન તેનો ત્રાસ અમુક સમય સુધી સહન કરી લેતું હોય છે. ઘણીવાર બાળપણથી જ ભય દ્વારા ઉછરેલું સંતાન યુવાનીમાં પણ માતાપિતાના શબ્દ વિરુદ્ધ જઈ શકતું નથી અને એટલે પણ તે મૂંગું રહેતું હોય છે.

તો ઘણીવાર ફક્ત સંસ્કારને લીધે સંતાનો માતાપિતાના ત્રાસ વિરુદ્ધ કશું બોલતા નથી હોતા. પરંતુ જ્યારે હદ આવી જાય ત્યારે પછી તો ઝઘડા સિવાય બીજાે કોઈજ વિકલ્પ નથી હોતો. અને જ્યારે પણ આ મામલે ઝઘડો થાય ત્યારે સમાજ ‘બાગબાન’નું ઉદાહરણ લઈને સંતાનોને જ દોષિત ગણવા લાગે છે.

આ વાત એટલા માટે જ કરવાનું મન થયું કારણકે દરેક કિસ્સામાં જેમ સિક્કાની બે બાજુઓ હોય છે એમ આ કિસ્સામાં પણ સિક્કાની બીજી બાજુ છે જેનું ધ્યાન પણ આપણે રાખવું રહ્યું. સંતાનો કાયમ ત્રાસ આપતા નથી હોતા, ઘણીવાર ઘરમાં ઉભા થતાં ટેન્શન માટે માતાપિતા પણ એટલા જ દોષિત હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution