અમદાવાદ-
રાજ્યભરમાં હોસ્પિટલોમાં બનતા આગના બનાવો બાદ કોર્ટ હવે આકરી થઈને ફાયર એનઓસી લેવાનો ર્નિણય કર્યો છે. અમદાવાદમાં ૧૨૮ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી ન હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશન અને ફાયર વિભાગે કોર્ટના આકરા વલણ બાદ લાલઆંખ કરી છે. ૧૫ દિવસમાં ફાયર એનઓસી લેવા અલ્ટિમેટમ આપ્યું છે. જે તે હોસ્પિટલે એનઓસી નહીં લીધી હોય તે હોસ્પિટલમાં કોરોનાની સારવાર નહીં થાય તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોમાં ફાયર એનઓસીને લઈ કડક આદેશ કર્યા છે. રાજ્યભરની તમામ કોવિડ હોસ્પિટલોને ચાર અઠવાડિયામાં ફાયર એનઓસી લઈ લેવા આદેશ કર્યા છે.
આ તમામ વાતો વચ્ચે અમદાવાદ શહેરની સરકારી સોલા સિવિલ હોસ્પિટલ સહિત ૧૨૮ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે. એટલું જ નહીં, અમદાવાદની જે ખાનગી હોસ્પિટલોમાં ફાયર એનઓસી નથી એનું લિસ્ટ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ૧૨૮ હોસ્પિટલોમાં સોલા સિવિલ સહિત એસજી હાઇવે, થલતેજ, સોલા, ઘાટલોડિયા, ચાણક્યપુરી અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોની હોસ્પિટલ છે, જેની પાસે ફાયર એનઓસી નથી.
અત્રે નોંધનીય છેકે, લિસ્ટમાં લખ્યું છે કે નીચે જણાવેલી હોસ્પિટલોએ ફાયર એનઓસી નથી મેળવેલું તેમણે તાકીદે ફાયર એનઓસી મેળવવાનું રહેશે. ફાયર એનઓસી નહિ મેળવવામાં આવે ત્યાં સુધી હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ નહિ કરી શકાય. સાતેય ઝોનમાંથી કુલ ૨૮૭ હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી છતાં હોસ્પિટલમાં દર્દીઓને આજે પણ દાખલ કરવામાં આવી રહ્યા છે.