લંડન
અંતરિક્ષમાં ૪૩૮ દિવસ વિતાવ્યા બાદ એક રેડ વાઈનની એક બોટલ વેચાણ માટે તૈયાર છે. આ બોટલને નવેમ્બર ૨૦૧૯માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. તેથી તેને ધરતીના ગુરૂત્વાકર્ષણથી દૂર રાખી શકાય. સાથે જ જાણી શકાય કે તેનું શું અસર થાય છે. ધરતી પર પરત આવ્યા બાદ આ વાઈનનો સ્વાદ તેની અસલી ઉંમર કરતા વધુ જૂનો લાગે છે.
સામાન્ય રીતે આ રેડ વાઈનની કિંમત ૬૦૦૦ ડોલર એટલે કે ૪.૩૯ લાખ રૂપિયા છે. જો કે અંતરિક્ષથી પરત ફર્યા બાદ તેને ખરીદવા માટે તમારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ રેડ વાઈનનું નામ પેટ્રસ ૨૦૦૦ મર્લોટછે. આ વાઈનને ફ્રાંસના બોર્દોક્સ વિસ્તારમાં દ્રાક્ષથી બનાવવામાં આવી છે. આ સ્પેસ વાઈનની ૧૨ બોટલને અંતરિક્ષમાં મોકલવાની હતી. હાલ તે બોટલ ધરતી પર આવી છે, તેણે અંતરિક્ષમાં ૪૩૮ દિવસ પસાર કર્યા છે. સારી વાત એ છે કે આ દરમિયાન સ્પેસ સ્ટેશનમાં રહેલા કોઈ પણ અંતરિક્ષયાત્રીએ આ બોટલોમાંથી વાઈન પીધી નથી. ખરેખર તેમના ધૈર્યના વખાણ કરવા જોઈએ.
પેટ્રસ ૨૦૦૦ મર્લોટની બોટલે ધરતીને અનેક ચક્કર લગાવ્યા છે. જવા સમયે અને આવવા સમયે પણ ઘણા ચક્કર લગાવ્યા. આ દરમિયાન બોટલે માઈક્રોગ્રેવિટી અને કોસ્મિક રેડિએશનનો સામનો કર્યો. આ બોટલ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ના ધરતી પર પરત ફરી હતી. તેને પરત લાવવામાં માટે સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુલની મદદ લેવામાં આવી હતી. તમે પેટ્રસ ૨૦૦૦ મર્લોટની બોટલને ક્રિસ્ટીઝની હરાજી ઘરમાં બોલી લગાવી ખરીદી શકો છો. જો કે આ માટે તમારે કરોડપતિ હોવું જરૂરી છે. કારણ કે ૪.૩૯ લાખની બોટલની હરાજીની શરૂઆતી કિંમત ૧ મિલિયન ડોલર એટલે કે ૭.૩૨ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ બોટલનું વેચાણ ક્રિસ્ટીઝ હરાજીની વેબસાઈટમાં ઓનલાઈન થશે. જો કે બોટલની હરાજી માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી. વૈજ્ઞાનિકોએ જ્યારે ધરતી પર ફર્મેન્ટેડ પેટ્રસ ૨૦૦૦ મર્લોટની સરખામણી અંતરિક્ષ સ્ટેશનની પેટ્રસ સાથે કરી તો સ્વાદમાં બહુ અંતર જોવા મળ્યો. આમ જોવા જઈએતો આ વાઈન ૨૦ વર્ષ જૂની છે, પરંતુ અંતરિક્ષવાળી વાઈનનો સ્વાદ હાલની વાઈન કરતા વધુ જૂનો લાગે છે. એટલે કે પેટ્રસ ૨૦૦૦ મર્લોટ વાઈન વધુ જૂની હોવાથી તેની કિંમત વધી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ફ્રાંસની સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવતાવાળી બોર્ડોક્સ રેડ વાઈન ૨ નવેમ્બર, ૨૦૧૯માં મોકલવામાં આવી હતી. આ વાઈન અંતરિક્ષયાત્રીઓના પીવા માટે ન હતી. પહેલા કહેવામાં આવ્યું હતું કે અંતરિક્ષમાં મોકલવામાં આવેલી રેડ વાઈનની ૧૨ બોટલને ૧ વર્ષ સુધી ત્યાં રાખવામાં આવશે. વૈજ્ઞાનિક તે જાણવા માગતા હતા કે અંતરિક્ષ પર વાઈનની બોટલો પર શું અસર થાય છે. આગામી ૩ વર્ષોમાં ૬ અંતરિક્ષ મિશનમાં આ વાઈનની બોટલો મોકલવામાં આવશે. જેથી તેનો વિસ્તૃત અભ્યાસ કરી શકાય. વૈજ્ઞાનિકો તે અભ્યાસ કરશે કે એક વર્ષ સુધી આ બોટલોને અંતરિક્ષમાં શૂન્ય ગુરૂત્વાકર્ષણપર રાખવાથી શું થશે. શું તેના સ્વાદમાં ફરક પડશે ? શું તે ખરાબ થઈ જશે ? શું તેની ગુણવત્તામાં ફરક પડશે ? જો આ બોટલોમાં ભરેલી દારૂના સ્વાદ અને ગુણવત્તામાં ફરક પડશે તો દારૂ ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ આવશે. આ સાથે જ તમને અંતરિક્ષમાં રાખેલી દારૂ પીવા મળી શક્શે.
૨ નવેમ્બરના વર્જીનિયાના નોર્થરોપ ગ્રુમેનના સ્પેસ કેપ્સુલમાં આ બોટલોને અંતરિક્ષમાં રવાના કરવામાં આવી હતી. આ બોટલોને એક ખાસ ધાતુના ડબ્બામાં બંધ કરીને મોકલવામાં આવી હતી. જેથી તે રસ્તામાં તૂટી ન જાય. રેડ વાઈન પર ચાલી રહેલા અધ્યયનમાં ફ્રાંસની બોર્દોક્સ યુનિવર્સિટી, જર્મની સ્થિત બેવેરિયા યુનિવર્સિટી અને લગ્ઝમબર્ગમાં સ્થિત એક સ્ટાર્ટ અપ સ્પેસ કાર્ગો અનલિમિટેડ સામેલ છે. એર્લાગેન-ન્યુરેમબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર અને આ અધ્યયન સાથે જોડાયેલા માઈકલ લેબર્ટે જણાવ્યું કે આ દારૂને બનાવવા માટે યીસ્ટ અને જીવાણુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.