રિટાયરમેન્ટ એટલે ‘રિ-સૅટ ઈકિગાઈ’

લેખકઃ ખ્યાતિ શાહ | 


પહેલીવાર કીટી પાર્ટીમાં જાેડાયેલી નેહા એક ખૂણામાં બેસી ચુપચાપ બધુ જાેઈ રહી હતી. ગેમ રમાડવાનું ચાલુ હતું પણ એને જરા પણ રસ પડતો નહતો. અંકિતા પરાણે એને ખેંચી લાવી હતી. ‘ઘરની બહાર લોકો વચ્ચે રહીશ એટલે આપમેળે મૂડ બદલાઈ જશે. કીટીમાં તને મજા આવશે.’

નેહાને એ માહોલથી કંટાળેલી જાેઈ અંકિતાએ ત્યાંથી વહેલા નીકળી સનસેટ જાેવા હાઇવે તરફ કાર લીધી. સરસ જગ્યા શોધી બંને ફ્રેન્ડ શાંત બેઠાં હતાં. ત્યાં નેહાએ વાત માંડી,‘રિટાયરમેન્ટ પછીના ત્રણ મહિના તો બહુ સરસ રીતે પસાર થઈ ગયાં. શરૂમાં તો મને લાગતું કે જાણે ટાઈમટેબલની કેદમાંથી મને મુક્તિ મળી. હું ખૂબ ખુશ હતી. પ્રવાસ કર્યા અને પછી દીકરા મિતેનને ત્યાં રહી આવી. પણ હવે અજીબ ખાલીપો લાગે છે. રોજ સવારે ઊઠીને કરવા માટે ખાસ કોઈ પ્રવૃતિ જ નથી. જાણે જીવવાનો મકસદ જ નથી રહ્યો એવું લાગે છે, યાર..’ આટલું બોલતાં નેહાનાં ચહેરા પર ઢળતી સાંજની ઉદાસીનો ઘેરો રંગ છવાઈ ગયો હતો.

સ્ત્રીઓ કોઈ અંગત મળે કે મન ખાલી કરી નાખતી હોય છે. કદાચ એટલે સ્ત્રીઓને ડિપ્રેશન લાંબો સમય ઘેરી શકતું નથી. નેહાએ મન ખાલી કરવા માંડ્યું, ‘અંકિતા, જીવનના ૬૦ વર્ષ હું સતત દોડી છું. સવારે ઉઠવાથી રાત્રે સુવા સુધી ઘર અને જાેબ, કુટુંબની જવાબદારી, વ્યાવહારિક જવાબદારી અને આર્થિક જવાબદારી વચ્ચે સંતુલન જાળવી બે છેડા ભેગાં કરવામાં અત્યાર સુધીની જીંદગી વીતી છે. સુમિત ન રહ્યાં, મિતેન દુબઈ સેટ થઈ ગયો. હું નિવૃત્ત થઉં ત્યાં ઘર ખાલી થઈ ગયું છે. અચાનક મને લાગે છે કે નથી ઘરે કોઈ રાહ જાેનાર રહ્યું કે નથી હવે ક્યાંય પહોંચવાનું, કે નથી મારે કરવા કામ રહ્યું. અજીબ ખાલીપો અનુભવું છું. આવું તો સુમિતના ગયા પછી પણ નહોતું ફીલ થયું. ત્યારે મિતેનને ભણાવવાનો હતો, બાની જવાબદારી હતી અને ઘરનું પૂરું કરવા કમાવાનું તો હતું જ, એમાં હું શોકમાં રહું એ પરવડે એમ જ ક્યાં હતું!’

અંકિતાએ હળવેકથી નેહાનાં હાથ પર હાથ મૂકી કહ્યું,‘સમજુ છું, ડિયર. તે આટલા વર્ષો જીવનનો સંઘર્ષ એટલી હિંમતથી કર્યો છે કે તને જાેઈને કોઈને અંદાજ જ ન આવે. બહુ સહજ જીવાયું હોય એવું જ લાગે!’

નેહાની આંખમાંથી ક્યારના રોકી રાખેલા આંસુ સરી પડ્યાં. એણે ભીના અવાજમાં કહ્યું, ‘રોજ સવારે ઊઠીને જીવવા માટે કારણ તો જાેઈએ ને? બધી જ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગઈ છું. હું જાણે જીવવાનો હેતુ ખોઈ બેઠી છું.’

અંકિતાએ એની પીઠ પસવારી તેને શાંત કરી. ‘વ્હાલી, જેમ એક સપનું સાકાર થવામાં હોય ત્યાં આપણે નવું સપનું જાેઈ લીધેલ હોય છે ને જીવનના લક્ષ્ય બદલાઈ ગયા હોય છે. બસ, એ રીતે જ જીવન જીવવાના ઉદ્દેશ પણ સમય સાથે રી-સેટ કરવા પડે. આટલા વર્ષો તું ઘર, બાળકના ઉછેર-ભણતર એને સેટ કરવામાં, વડીલોની જવાબદારી અને નોકરી પાછળ જીવી છે. તને તારા માટે સમય જ ક્યાં મળ્યો છે. નિવૃત્તિ નિરાશ થવા માટે નથી. ખરા અર્થે તો રિટાયરમેન્ટ એટલે જીવવાનો હેતુ રી-સેટ કરવાનો, લાઈફની આ સેકન્ડ ઈનિંગ પૂરા જાેમ સાથે ભરપૂર જીવવાની છે. આટલા વર્ષો જે નથી થઈ શક્યું તે કરવાનું. હવે પહેલા તારી જાતને જાે. પણ એ પહેલા તું શાંત થા.’

નેહા થોડી સ્વસ્થ થઈ. એટલે અંકિતાએ કહ્યું, ‘નેહા, યાદ છે થોડા વર્ષો પહેલા હું ડિપ્રેશનમાં હતી ત્યારે તેં જ મને મારા શોખને વ્યવસાયમાં બદલી જીવનને નવી દિશા આપવા કહેલું. આજે જે બુટીક ચલાવું છું એ તારી પ્રેરણાથી જ તો થયું. એક હાઉસ વાઈફ, એ પણ ૫૦ વર્ષથી વધુ ઉંમરે ઘરેથી બુટીક ચલાવી પોતાના માટે કમાતી થઈ ગઈ! જીવનને નવો ઉદ્દેશ મળ્યો કે મારું ડિપ્રેશન ગયું! હવે ચલ, આપણે તારા માટે ગમતી પ્રવૃતિ, જીવવા માટે ઇકિગાઈ શોધીએ.’

આટલું સાંભળતાં જ નેહા ચમકી, ‘ઇકિગાઈ? એ તો જાપાનીઝ શબ્દ. આ વિશે તો મેં થોડું વાંચેલું છે ક્યાંક. ‘ઇકિ’ એટલે જીવન અને ‘ગાઈ’ એટલે ઉદ્દેશ્ય, ઇકિગાઈનો અર્થ થાય જીવનનો ઉદ્દેશ્ય કે હેતુ.’

‘લે તો હવે શોધ તારી ઇકિગાઈ! વાંચવાનો તારો શોખ ફરી જીવંત કર. તું તો કોલેજ સમયે વક્તૃત્વ સ્પર્ધા ને ડિબેટમાં કેટલી એક્ટિવ હતી. હું ભૂલતી ન હોઉં તો નિબંધ સ્પર્ધામાં તું અવ્વલ આવેલી. અલી, તારી અંદર તો ભારોભાર આવડત ભરી પડી છે. ગમતું શોધ, નવું શીખ, મોજ કર, યાર.’

‘હા, યાર, નાહક હું થોડા દિવસથી અપસેટ રહું છું. વાંચન ને બીજા શોખ તો બરાબર છે,તેને ફરી રિવાઈવ કરીશ પણ ફક્ત એટલું પૂરતું નથી. અંકિતા, કીટી પાર્ટી થાય તો ઘરે સમાન શોખના મિત્રોની બેઠક પણ થાય ને? બીજું કેટલા એવા એકલા રહેતાં સિનિયર સીટીઝન હશે જેમને જમવાની તકલીફ પડતી હશે. મને એકલાની રસોઈ કરવી જરાય ગમતું નથી. એટલે વિચાર આવે છે એકલા જીવતા કે જમવાનું બનાવવા અસક્ષમ લોકો માટે ટિફિન સર્વિસ શરૂ કરું?’ નેહાને ફરી એકદમ નોર્મલ અને આત્મવિશ્વાસુ જાેઈ અંકિતાએ હાશ કરી.

નિવૃત્તિ એટલે ગમતી પ્રવૃતિ કરવાની મોકળાશ. સમય સાથે લાઈફનો ગોલ રી-સેટ કરતાં રહેવું પડે. જીવનનો ઉદ્દેશ્ય એ કોઈ ભારેખમ હોય એવું જરૂરી નથી. નાની નાની વાતમાં આપણે આપણું સુખ શોધીએ. જાત માટે અને શક્ય હોય તો બીજા માટે જીવી જાણીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution