અમદાવાદ-
બાપુનગરમાં પેન્શન પર જીવતા નિવૃત શિક્ષક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો હતો. શિક્ષકના જાણ બહાર તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને અજાણ્યા શખ્સે રૂ.1.67 લાખ ઉપાડી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. આ અંગેની જાણ શિક્ષકને તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં ઓનલાઈન ફ્રોડે માજા મુકી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા સાયબર ક્રાઈમની ટીમે ઓનલાઈન ફ્રોડ કરતા 7 શખ્સોને ઝડપી લીધા હતા. જો કે તેમ છતા પણ ઓનલાઈન ફ્રોડ શહેરમાં યથાવત રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. બાપુનગરમાં નિવૃત્ત શિક્ષક ઉકાભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. અને પેન્શન આવતું હોવાથી તેનું ગુજરાન ચલાવે છે. ઉકાભાઈ સોલંકી સરસપુર ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં પેન્શન આવતું હોવાથી અવાર નવાર ત્યાં જઈ પૈસા ઉપાડતા અને બાકીની રકમની બચત કરતા હતા. જો કે આ રીતે ઉકાભાઈએ રૂ.1.67 લાખ જેટલી બચત કરી હતી. જો કે એક મહિના પછી આ બેંકમાં પૈસા લેવા માટે ગયા હતા ત્યારે તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોવાનું સામે આવ્યુ હતું. જો કે પાસબુકમાં તપાસ કરતા અલગ અલગ તારીખે જુદી જુદી જગ્યાએ એટીએમમાંથી રૂ.10 થી 15 હજાર ઉપડી કુલ રૂ.1.67 લાખ ઉપડી ગયા હતા. જો કે તેમનું એટીએમ કાર્ડ તેમની પાસે જ હતું તેમ છતા એટીએમથી પૈસા ઉપડ્યા હતા. જો કે આ અંગે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સે તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને રૂ.1.67 લાખ ઉપાડી ઠગાઈ કરી હતી. આ અંગે ઉકાભાઈ સોલંકીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.