બદલો

લથડતાં કદમોને એક નવો સહારો મળ્યો

જીંદગીના ઘાવને સ્નેહનો વિસામો મળ્યો

"સરિતા મેમ જલદી આઓ. દિશાએ પોતાના હાથની નસ કાપી લીધી છે.”

"ઓહ ગોડ!” બેહદ આશ્ચર્ય અને ભારોભાર વેદના સાથે સરિતાના પગ દિશાના રૂમ તરફ દોડ્યા. દોડીને જલદીથી પહોંચવું હતું. પરંતુ લથડતાં પગ અને હ્રદયદ્રાવક મન સાથે ભૂતકાળની કડવી યાદો પણ મોકો જાેઈ તાલ મિલાવવા થનગની ઊઠી.

પરંતુ અત્યારે પોતાની વેદનાને તો અવકાશ જ ક્યાં હતો! તે ભીતરની ભાવનાઓને ધરબી દિશાના રૂમનાં દરવાજે એક શ્વાસે જ પહોંચી. સામે બેડ પર દિશાને હેમખેમ જાેઈ જાણે જીવમાં જીવ આવ્યો. પણ તેની હાલત હજુ નાજૂક હતી.

જે દુઃખ દિશા માટે થયું હતું તેવા જ ચિત્કારનો સૂસવાટો યાદોના ઝરૂખે ઉપડ્યો. ભૂતકાળના વાદળો વર્તમાનના આસમાનમાં વરસવા લાગ્યા. ગળે ડૂમો બાઝ્‌યો ને રુંધાયેલા શ્વાસમાં ઉપડેલી ટીસ આંખો સામે ઉપસી આવતા ચહેરા પર સ્થિર થઈ.

"સરિતા.. હજુ પણ સમય છે. વિચારી લે. તું જે કરવા જઈ રહી છે તે તારા માટે એક ખાઈ છે. જેમાં તારું અસ્તિત્વ ક્યારે વિલીન થશે તેની જાણ તને ખુદને પણ નહી રહે.” પોતાની સખી રીનાની વાત સાંભળી સરિતા જાેરજાેરથી હસવા લાગી.

"રીનું, ખબર છે આ તો દ્રાક્ષ ખાટી વાળી વાત થઈ. તેમાં તારો વાંક બિલકુલ નથી! બધાના નસીબ મારા જેવા નથી હોવાના ને?” સરિતાએ મજાકમાં રીનાની પીઠ પર ધબ્બો મારતા કહ્યું.

"સરિતા, પ્લીઝ મારી વાત સાંભળ. તું રાજને છોડી દે. તેનાથી દૂર રહે એ જ તારી ભલાઈ છે.”

"કેમ હું છોડી દઉં એટલે તું તેની પાછળ પડે? યાર, તેમાં તારો દોષ નથી. રાજ છે જ એવો કે તું શું કોઈ પણ છોકરી તેના પર વારી જાય. હું ખુશનસીબ છું કે રાજ મને ચાહે છે.”

રાજ પ્રત્યેનો સરિતાનો આંધળો પ્રેમ જાેઈ રીના એક કાર્ડ આપી ત્યાંથી નીકળી ગઈ.

સરિતા સાધારણ ઘરની એક સુશીલ અને સુંદર યુવતી હતી. રીનાની મદદથી જ સરિતાને એક સામાજિક સંસ્થામાં ડાન્સ ટીચર તરીકે નોકરી મળી હતી. એ સંસ્થામાં નાની મોટી બધી યુવતીઓ રહેતી. સરિતાને તેમની સાથે ખૂબ મજા આવવા લાગી.

સંસ્થામાં થોડા દિવસ બાદ મ્યુઝિક ટીચર તરીકે એક યુવાન આવ્યો. જેનું નામ રાજ હતું. પોતાના નામ પ્રમાણે રાજાશાહી ઠાઠ ધરાવતો હતો. દેખાવમાં અત્યંત સુંદર રાજ તેટલો જ વાચાળ હતો.

તેના મુખની જેમ અવાજમાં ગજબ આકર્ષણ હતું. તેની નજરો બેહદ કાતિલ હતી. પહેલી નજરમાં જ ત્યાં રહેતી યુવતીઓની માફક સરિતા તેની નજરોમાં ખોવાઈ ગઈ. રાજ પણ સરિતાના અફાટ સૌંદર્યથી કાયલ થઈ ગયો હતો.

બંનેની નજરોએ એવો જાદુ સજ્ર્યો કે બંનેના દિલમાં પ્રેમની ધુન વાગવા લાગી. રોજની મુલાકાતો અનેક સિલસિલા રચતી ગઈ.

"સરું, છેલ્લા એક વર્ષથી આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે આપણે લગ્ન કરી કરવા જાેઈએ.”

"રાજ, મને થોડો સમય આપ. મારે ઘરે વાત કરવી પડશે. પપ્પાને મનાવવા પડશે.”

સરિતા જ્યારે ઘરે પહોંચી તો ખુદ આશ્ચર્યમાં પડી ગઈ. તેના પિતાના દોસ્તનો છોકરો અવિનાશ તેને મળવા આવ્યો હતો.

સરિતા પોતાના દિલની વાત ઘરે તે પહેલાં જ તેના પિતા બોલ્યા, “સરુ, હું અને તારી મમ્મી ઇચ્છીએ છીએ કે તું અવિનાશને પસંદ કરે અને તેની સાથે લગ્ન કરે.”

સરિતા પોતાના પિતાને પોતાના મનની વાત ન કરી શકી. થોડા દિવસ એમ જ વિતી ગયા.

"સરિતા હવે હું રાહ જાેઈ થાકી ગયો છું. ના તારાથી દૂર રહી શકું છું. ના તારી સાથે! હું આવતીકાલે વહેલી સવારે બસ સ્ટોપ પર તારી રાહ જાેઈશ. જાે તું ન આવી તો મને ભૂલી જજે.” રાજની વાત સાંભળી સરિતા સ્તબ્ધ થઈ ગઈ.

"તે રાજના પ્રેમમાં એ હદે પાગલ થઈ ગઈ હતી કે હવે તેના સિવાય કોઈ દેખાતું જ ન હતું.”

પોતાના ઘરે એક ચિઠ્ઠી મૂકી સરિતા રાજ સાથે ભાગી નીકળી.

સરિતા પોતાની સાથે પોતે અત્યાર સુધી કમાયેલ રૂપિયા પણ લાવી હતી. બંને શહેર છોડી પોતાની પ્રેમની દુનિયામાં રહેવા લાગ્યા.

સમયની રફતાર જેમ ભાગતી હતી તેમ તેમ રાજની અસલિયત સરિતા સામે આવવા લાગી. અત્યાર સુધી ખુદને અનાથ અને બિચારો બતાવતો રાજ અનેક રાઝ ધરાવતો હતો.

કહેવાય છે કે પ્રેમથી પેટ નથી ભરાતું. સરિતાના પૈસા પુરા થઈ જતાં રાજનો અસલી રંગ બહાર આવવા લાગ્યો. રાજ દિવસના દિવસો ઘરથી ગાયબ રહેતો. સરિતા તેને કહેતી તો તે ઘર છોડી જતો રહેતો.

સરિતાને હવે પોતાના માબાપને આપેલ તકલીફનું ખૂબ દુઃખ થતું. તેની રાજને છોડવાની ઈચ્છા થતી પણ હવે પરત જવાની તેની હિંમત ન હતી.

એક દિવસ રાજ ઘણા દિવસ બાદ ઘરે આવ્યો તે બોલ્યો, “ સરિતા એકદમ નવી સાડી પહેરી તૈયાર થઈ જા. હું આજે તને જન્નતની સફર કરાવીશ.”

"રાજ.. હું તને ઓળખી ગઈ છું. હવે તને સજા અપાવ્યા બાદ જ મને શાંતિ થશે.”

પોતાની હકીકત જાણી ગયેલ સરીતાને ચૂપ કરાવવા તેણે સરિતાના માથા પર ઘા કર્યો.

જ્યારે સરિતાની આંખો ખુલી ત્યારે તે વેચાઈ ચૂકી હતી. એક દિવસ તેણે હિંમત કરી અને ત્યાંથી નાસી છૂટી. તે હવે જલ્દીથી પોતાના ઘરે પહોંચવા માંગતી હતી.

પણ ઘરે પહોંચતા જ જીંદગી એ તેને સૌથી મોટો ઝટકો આપ્યો.

"સરુ, બહુ મોડું કરી દીધું. તે આપેલ પીડા નાજુક હ્રદયના તારા માબાપ ન ઝિરવી શક્યા.” રીનાની શબ્દો સાંભળી સરિતા ત્યાં જ ઢગલો થઈ ગઈ.

રીના તેને ભેટી પડી અને બોલી,“ સરિતા, મંે તને એટલે જ ચેતવી હતી. કેમ કે રાજ અહીંયા પણ ઘણી છોકરીઓને ફેરવી ચૂક્યો હતો. તેણે મારા પર પણ નજર બગાડી હતી પણ મે તેની બોલતી બંધ કરી દીધી હતી.”

ઘણા સમય સુધી સરિતા સદમામાં રહી. હોંશ આવતા પોતાના હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રીના જેવી સખીએ તેને નવી જીંદગી આપી. રીનાની મદદથી સરિતા એ જ સંસ્થામાં રહેવા લાગી જ્યાંથી તેની દર્દની દાસ્તાન શરૂ થઈ હતી.

છેલ્લા પાંચ વર્ષમાં સરિતાએ એ સંસ્થામાં પોતાના પ્રાણ રેડી દીધા હતા. ત્યાં રહેતી બાળાઓની તે સાચા અર્થમાં મં બની હતી.

ઉંમરમાં ત્યાં રહેતી યુવતીઓથી વધુ ફર્ક ન હોવાથી મોટા ભાગની યુવતીઓ તેને દીદી જ કહેતી. દરેક યુવતીઓની તમામ હિલચાલ પર તે દેખરેખ રાખતી અને મજનું બનેલ યુવકોને સબક શીખવતી.

દિશાની હાલત જાેઈ તેને પોતાના ભૂતકાળનું પુનરાવર્તન થતું લાગ્યું. કુદરતે જાણે પોતાનો બદલો પૂરો કરવાની તક આપી હોય તેમ તે દિશા પાસે જઈ બોલી, “દિશા, પ્રેમ કરવો ગુનો નથી. પણ હા તે જ્યારે ખોટી વ્યક્તિ સાથે થઈ જાય ત્યારે તેને સહન કરવો ગુનો છે. તારો અને મારો દોષી એક જ છે. એટલે જ તને રાજ સાથે ભાગતા પકડી અને તેં આ પગલું ભર્યું.”

સરિતાની દર્દભરી દાસ્તાન સાંભળી દિશાને પોતે કરેલ નાદાની સમજાઈ. સરિતાના કારણે પોતે રાજના ચુંગલ અને આત્મહત્યા બંનેથી પોતાનું જીવન બચાવી શકી.

બધી જ ન્યુઝ ચેનલમાં સમાચાર આવી રહ્યા હતા, અવનવા ગેટ અપ, અને નામ બદલી આખા રાજ્યમાં છોકરીઓના વ્યાપારનો ધંધો કરતા રાજ ઉર્ફે બબલુને આજીવન કારાવાસ!

સરિતા ખુશ હતી.. પોતાનો મકસદ પૂર્ણ કરી દિશા જેવી છોકરીઓને જીવનની નવી દિશા આપીને!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution