રિટેલ રોકાણકારોએ એસએમઈ કંપનીઓમાં રોકાણ કરતી વખતે ચોક્કસ સ્તરની ચકાસણી-ડયુ ડિલિજન્સ કરવાની જરૂર


મુંબઈ,તા.૧૨

સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસ (એસએમઈ) કંપનીઓના આઈપીઓ મામલે 'ભોપાળા' બહાર આવવા લાગ્યા છે. એસ.એમ.ઈ. કંપનીઓ સામે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દંડો ઉગામવાનું શરૂ કરી દીધું છે. સેબીએ વરેનીયમ ક્લાઉડ અને તેના મેનેજિંગ ડિરેકટરો પર ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) થકી એકત્ર કરાયેલા ફંડને અન્ય એકમોમાં અને અન્ય છેતરપિંડી પ્રથાઓ તરફ વાળવાના કથિત આરોપસર પ્રતિબંધ મૂક્યો છે. સેબી દ્વારા છેલ્લા એક સપ્તાહમાં આ પ્રકારની બીજી કાર્યવાહી કરવામાં આવી છે.

સેબીએ આ વિશે જણાવ્યું છે કે, કંપનીએ પોતાના વિશે ઊજળું ચિત્ર રજૂ કરવા જાહેર ઘોષણાઓ કરી હતી, જ્યારે વાસ્તવમાં એવી કોઈ આર્થિક પ્રવૃતિઓ નહોતી. કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી. કંપનીના શેરના ભાવમાં વધારો થતાં, રિટેલ રોકાણકારોના ભોગે કંપનીના પ્રમોટરને એક્ઝિટ કરવાની અને તેમનો હિસ્સો ઘટાડવાની તક મળી હતી એમ સેબીએ જણાવ્યું છે. કંપનીના પ્રમોટરે રૂ.૧૨૨.૭૬ કરોડનો ચોખ્ખો લાભ મેળવ્યો હતો, જ્યારે કંપનીએ રૂ.૧૭.૬૧ કરોડનો લાભ મેળવ્યો હતો.

સેબીએ રોકાણકારોને ચેતવતાં કહ્યું છે કે, રિટેલ રોકાણકારોએ એસએમઈ કંપનીઓમાં રોકાણ કરતી વખતે ચોક્કસ સ્તરની ચકાસણી-ડયુ ડિલિજન્સ કરવાની જરૂર છે અને ઝડપથી તેમના માર્ગમાં આવી શકે એવા આકર્ષક દેખાતા વળતરથી પ્રભાવિત ન થવું જાેઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, રોકાણકારોએ તેમની વળતરની અપેક્ષાઓ વિશે વાસ્તવિક અને જવાબદાર બનવાની જરૂર છે.

વ્યવહારો પૂરવાર કરવા માટે કંપની પાસે કોઈ દસ્તાવેજાે ન હતા, એટલું જ નહીં, પરંતુ આઈપીઓ અને ત્યાર બાદના રાઈટ્‌સ ઈસ્યુ દ્વારા એકત્ર કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ ઓફર ડોક્યુમેન્ટ્‌સમાં ઉલ્લેખિત હેતુ માટે કરવામાં આવ્યો ન હતો. સેબીએ જણાવ્યું હતું કે, કંપનીએ તેના વ્યવહારો કર્યા હતા, જે માત્ર કાગળ પર જ દેખાયા હતા અને ગ્રીનફિલ્ડ વિસ્તારોમાં પ્રવેશતા ટોચના આઈટી સર્વિસ પ્રોવાઈડર તરીકેની છબી રજૂ કરી હતી.

એસએમઈના આઈપીઓને એક્સચેન્જાે દ્વારા મંજૂરી આપવામાં આવે છે અને સેબીની કડક તપાસમાંથી પસાર થતાં નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં સેબીએ એડ-શોપ ઈ-રિટેલ અને તેના મેનેજમેન્ટના સભ્યોને ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્‌સની કથિત હેરાફેરી બદલ સિક્યુરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા હતા. સેબીના ઓર્ડર મુજબ કંપનીએ ખોટું વેચાણ અને ખરીદીની એન્ટ્રીઓ એટલી બતાવી હતી કે, છેલ્લા ત્રણ નાણા વર્ષના ૪૬ ટકાથી વધુ વેચાણ કાલ્પનિક હોવાનું જણાયું હતું. આ આદેશ એવા સમયે આવ્યા છે, જ્યારે ઘણા એસ.એમ.ઈ સ્કેનર હેઠળ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution