અમદાવાદ-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબરના રોજ નર્મદાના કેવડિયા કોલોનીથી કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાંથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ રિવરફ્રન્ટ પર આવ્યા હતા, ત્યારથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનમાં સવારી કરી તે દેશમાં ખૂબ ચર્ચાસ્પદ રહ્યુ હતુ અને સી પ્લેનને ઉડતા લોકોએ ટીવી પર લાઇવ જોયું હતું. સી પ્લેનના પ્રારંભ થયા બાદ પ્લેનમાં બેસનારા પ્રવાસીઓ મળતા ન હતા. જેથી સ્પાઇસ જેટને આ સી પ્લેનની ઉડાન રદ કરવાની ફરજ પડી હતી. જોકે, ત્યારબાદ કેવડિયા કોલોનીમાં લોકસભાના સ્પીકરની કૉન્ફરન્સ યોજાઇ હતી, ત્યારે સી પ્લેન ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેનમાં બેસીને નર્મદાના કેવડિયા કોલોની ગયા હતા, જોકે ત્યારબાદ ફરીથી પ્લેનમાં પ્રવાસીઓ નહીં મળતા સી પ્લેનની તમામ ઉદાન રદ કરવાની ફરજ કંપનીને પડી હતી. સ્પાઈસ જેટ કંપની દ્વારા પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલી આપ્યું હોવાના સમાચાર આવ્યા હતા, હવે ફરીથી સી પ્લેનનો પ્રારંભ થઇ રહ્યો છે. સ્પાઇસ જેટની સત્તાવાર જાહેરાત બાદ હવે સી પ્લેન સેવા 27 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. દરરોજની બે ફ્લાઈટ અમદાવાદ થી કેવડિયા જશે અને કેવડિયાથી અમદાવાદ પાછી આવશે, પેસેન્જરો માટે 20 ડિસેમ્બરથી બુકિંગનો પ્રારંભ થશે.