સન ફાર્મા રોડ પર ૧૦ દિવસથી રોજ રાતના સમયે વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે. જે પુનઃ સવારે ત્રણ વાગ્ય બાદ જ શરૂ થતો હોય છે. જેના કારણે વિસ્તારના હજારો રહીશોને આકરી ગરમીમાં હેરાન પરેશાન થવાની નોબત આવે છે. એમજીવીસીએલના કારણે લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. રહીશો છેલ્લા ત્રણ દિવસથી સતત અકોટા સબ ડિવિઝન ખાતે રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે રહીશો સારા ફાઉન્ડેશનના નેજા હેઠળ વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસ ખાતે રેસકોર્સ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રજૂઆત કરી હતી કે, ગ્રાહકોને સર્વિસ આપવામાં કાચી અકોટા સબ ડિવિઝનની ઓફિસ વીજ કંપનીની નહીં પરંતુ પોલીસ વિભાગની કચેરી હોય તેમ લાગે છે. ત્યાં રજૂઆત કરવા જઈએ ત્યારે પોલીસ જ અમને જવાબ આપે છે. ફોન કરીએ તો કોઈ જવાબ આપતું નથી. કસ્ટમર સર્વિસ પર ફોન લાગતા જ નથી અને ફોન લાગી પણ જાય તો ઉદ્ધતાઈ ભર્યા જવાબો મળે છે. અમે ઓનલાઇન પેમેન્ટ કરીએ છીએ. કોઈ બિલ બાકી નથી. તેમ છતાં અમને વીજ કંપની દ્વારા યોગ્યસર્વિસ આપવામાં આવતી નથી. નાના બાળકો અને વૃદ્ધ લોકોની હાલત કફોડી બની છે. અમને સન ફાર્મા વિસ્તાર માટે એક અલાયદું સબ સ્ટેશન આપવા માગ કરી છે. રજૂઆત બાદ રહીશોએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ હાલમાં કામચલાઉ સમાધાનની ખાતરી આપી છે, પણ અમને કાયમી સમાધાન થશે કે કેમ તેની ખાતરી નથી.