વડોદરા : કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સામે સમાચારપત્રોમાં જાહેર નોટિસ આપતાં મામલો ગરમાયો છે. દરમિયાન આજે એમની પત્ની રેશ્માએ વળતી નોટિસી આપી ભરતસિંહ કોરોનાથી પીડિત થયા બાદ ગંભીર બનતાં મેં તેમની સેવા કરી હોવાનું જણાવી ઝઘડો માત્ર ૧૫ દિવસ પહેલાંનો જ છે જેમાં મને ગાળો ભાંડી, અભદ્ર વર્તન કરી ઘરેથી કાઢી મૂકી હોવાનું જણાવી હજુ પણ પતિ સાથે રહેવા તૈયાર હોવાનું જણાવ્યું છે જેને લઈને રાજકીય મોરચે તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે.
ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ આપેલી એક જાહેર નોટિસ પાઠવી હતી. આ નોટિસ મામલે રેશ્મા પટેલે પોતાના વકીલ મારફત પોતાનો જાહેર ખુલાસો કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોના મહામારીથી બીમાર હતા, ત્યારે મેં તેમની ખૂબ સેવા કરી છે અને પુનઃજીવન આપ્યું છે. પરંતુ તેઓ સાજા થયા બાદ છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા છે અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા પતિએ મારા ઉપર મૂકેલા આક્ષેપો પાયાવિહોણા છે.રેશ્મા પટેલે પતિ ભરતસિંહ સોલંકીએ આપેલી નોટિસના અનુસંધાનમાં કરેલા ખુલાસામાં વધુમાં જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકીએ ૧૩-૭-૨૦૨૧ના રોજ જાહેર નોટિસ આપી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારા પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી અને અમારી સાથે રહેતા નથી તેવા આરોપો મૂક્યા છે. વાસ્તવમાં પતિ ભરતસિંહ સોલંકી કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યા બાદ તેઓનું અમારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું હતું. મારી સાથે ગાળાગાળી કરતા હતા અને અમને પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે.