મુંબઈ-
દેશમાં કોરોનાકાળને પગલે અર્થતંત્ર થોડો સમય સદંતર ખોરંભે પડી ગયા બાદ હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે અને જો આવી જ વિકાસગતિ થોડો સમય વધુ ચાલુ રહી તો તેને ટેકો આપવા માટે કોઈક નીતિ ઘડવી પડશે એમ ભારતીય રીઝર્વબેંકે કહ્યું હતું.
ગુરૂવારે આપેલા એક નિવેદનમાં બેંકે કહ્યું હતું કે, તાજેતરમાં જે પ્રકારના સૂચકાંકો દેખાઈ રહ્યા છે એ જોતાં જો ફૂગાવો થોડો સમય નિયંત્રણમાં રહે અને વિકાસના સૂચકાંકો આ રીતે જ આશાસ્પદ જણાય તો એ ભારતીય અર્થતંત્ર માટે એક મોટો કમબેક કહેવાશે. બેંકે આને વી શેપ કમબેક કહ્યો છે. નોંધવા જેવી વાત એ છે કે, બજાર અને અર્થતંત્રમાં સુધારામાં એક અગત્યના સૂચકાંક શેરબજારનો સુધારો હાલમાં ભારતમાં જેવો જોવા મળ્યો છે, એ દુનિયાભરના શેરબજારોની સરખામણીએ ઘણો આગળ છે. ટકાવારીની વાત કરીએ તો ભારતનો શેરબજારમાં તેના સૌથી નીચા સ્તરથી ઊંચે જવાનો ટકાવારી પ્રમાણેનો ફેરફાર 84 ટકા જેટલો ઊંચો છે, જેનાથી વધારે માત્ર બીજા બે દેશોમાં છે, પહેલું દક્ષિણ કોરીયા અને બીજું બ્રાઝીલ. આ યાદીમાં અમેરીકા ચોથા અને ચીન 14મા ક્રમે છે.
બેંક ત્યાં સુધીનો આશાવાદ સેવે છે કે, જાન્યુઆરીથી થયેલો સુધારો આગામી તહેવારોની મોસમ પહેલા સુધી એટલે કે જુલાઈ થી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. દેશમાં નાણાકીય ખાદ્યની સામે વિકાસદરનું પ્રમાણ 10.4 ટકા રહેશે એમ બેંક માને છે.