વડોદરા, તા.૨૭
૭૩મા પ્રજાસત્તાકદિનની ઉજવણી પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગાની આન-બાન-શાન સાથે, દેશભક્તિના ગીત સાથે કરવામાં આવી હતી. વડોદરા પ્રભારીમંત્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ બેન્ડની રાષ્ટ્રગીતની સુરાવલી સાથે સલામી આપી હતી. પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં મહાનુભાવો અને અધિકારીઓ પણ જાેડાયા હતા. આ ઉજવણી દરમિયાન કોવિડ-૧૯ પ્રોટોકોલ જાળવવામાં આવ્યો હતો.
કલેકટર એ.બી.ગોર અને પોલીસ કમિશનર સમશેરસિંગે મંત્રીને આવકારી પોડિયમ તરફ દોરી ગયા હતા, જ્યાં તેમણે ૯ વાગે તિરંગો લહેરાવ્યો હતો. ત્યાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સલામી આપી હતી. ત્યાર બાદ આ ત્રણેય મહાનુભાવો ખુલ્લી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કર્યું હતું, સાથે આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું હતું. મંત્રીએ નાગરિકોને શુભકામનાનો પ્રજાજાેગ સંદેશો આપતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયો માટે ગૌરવપૂર્ણ દિવસ છે. આજથી ૭૨ વર્ષ પહેલાં આપણે લોકતાંત્રિક ગણ રાજ્યનો સ્વીકાર કર્યો હતો. દેશ-વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઊભરી રહ્યો છે. દૃઢ રાજકીય ઈચ્છાશક્તિ સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી આપણે પ્રતિદિન વિકાસના નવતર સોપાન સર કરી રહ્યા છીએ.
કોરોનાની મહામારીના સમયને યાદ કરતાં રાજ્યના ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને કોરોનાકાળમાં સેવામાં પોતાનું યોગદાન આપનાર તમામ કોરોનાયોદ્ધાઓને અભિનંદન આપ્યા હતા. પરેડમાં જિલ્લા પોલીસ, શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, એનસીસી, શ્વાનદળ, અશ્વદળની ટુકડીઓ જાેડાઈ હતી. પરેડનું નેતૃત્વ ઈતિહાસમાં પ્રથમ વખત સહાયક પોલીસ કમિશનર મહિલા અધિકારી રાધિકાબેન ભરાઈએ કર્યું હતું. ૧૨ જેટલી કુમકોએ ભાગ લીધો હતો.
પ્રજાસત્તાકની ઉજવણી દરમિયાન ૧૯ શ્રેષ્ઠ કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા ઃ વૃક્ષારોપણ કરાયું
વડોદરા શહેરમાં ૭૩મા પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રભારીમંત્રીના હસ્તે વિવિધ આઠ કચેરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૯ કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વાઈરસ સામે તકેદારીના ડોઝ પણ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય જિતુ સુખડિયા, સીમા મોહિલે, શહેર ભાજપા પ્રમુખ વિજય શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધીર દેસાઈ, અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, કાર્યપાલક ઈજનેર સાહસ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.