બોડેલી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા શિક્ષણ સહાયક ને બિનશરતી કાયમી રક્ષણ, શિક્ષણ સહાયકોની સળંગ નોકરી, વર્ગદીઠ સરાસરી, નવનિયુક્ત કર્મચારીઓના પગાર તેમજ સાતમા પગાર પંચના એરિયર્સ અંગે રજુઆત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્યમિક વિભાગના અધ્યક્ષ રમેશભાઇ ચૌધરી, ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ તેમજ આચાર્ય વિભાગના જીગ્નેશ શાહ દ્વારા શિક્ષણ સચિવ વિનોદ રાવને રૂબરૂ મળી તારીખ ૩૧-૩-૨૦૧૬ પછી નિમણૂક પામેલ શિક્ષણ સહાયકોને કાયમી બિનશરતી રક્ષણ, શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની સળંગ નોકરી, નવનિયુક્ત આચાર્યોના પગાર ફિકસેશનમાં ઇજાફાનો લાભ આપવા, વર્ગદીઠ સરાસરી ઘટાડવા તેમજ પગારપંચના એરિયર્સ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે શિક્ષણ સચિવએ હકારાત્મક પ્રતિભાવ આપતા રક્ષણ મળવા અંગે સંમતિ દર્શાવી હતી. અન્ય પ્રશ્નો અંગે પણ હકારાત્મક અભિગમ પાઠવ્યો હતો. નીતિવિષયક ર્નિણય માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાની કચેરીમાં રજૂઆત નકલ આપી હતી તદુપરાંત શિક્ષણ કમિશ્નરની કચેરીમાં પડતર પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.