રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ૧૨૧ ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા વિરોધ વધી રહ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવા સહિત કોંગ્રેસ-એ બીટીપીએ વિરોધ કરતા આખરે સરકારે ખેડૂતોના કટિયામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રીઓ રદ કરતા વિવાદ થમશે એવું માનવામાં આવી રહ્યુ છે.હાલમાં બીટીપી સરકાર પર એવો આક્ષેપ લગાવી રહી છે કે ચુંટણી આવે છે એટલે હાલ પૂરતી એન્ટ્રીઓ સ્થગિત કરી છે, ચૂંટણી પુરી થશે એટલે ફરી એન્ટ્રીઓ પાડવાની સરકાર ચાલુ કરશે.આ તમામની વચ્ચે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.લોકસભામાં બજેટ સત્રમાં લોકસભાના નિયમ ૩૭૭ હેઠળ લોકસભામાં નર્મદા જિલ્લાના કુલ ૧૨૧ ગામોને ઇકો સેન્સેટીવ ઝોનમાંથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે એવી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ માંગણી કરી હતી.મનસુખ વસાવાએ સંસદમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોન વિસ્તારના ૧૨૧ ગામોના ખેડૂતોની માલિકીની જમીનમાં સરકારી અધિકારીઓએ દખલગીરી કરવાની ચાલુ કરી દીધી છે.જેથી આદિવાસીઓની આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ છે.એમની આજીવિકામાં નુકશાન થવાની સંભાવના છે.આદિવાસીઓની એવી ઈચ્છા છે કે આદિવાસીઓની જંગલ અને જમીન સાથે છેડછાડ કર્યા વગર દેશનો વિકાસ થાય.સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના આદીવાસી વિસ્તારમાં શાંતિ અને વિકાસ માટે ૧૨૧ ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાંથી તાત્કાલિક મુક્ત કરવું હવે જરૂરી છે.અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અચાનક પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું હતું ત્યારે સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રીઓ રદ કરી હતી.હવે એમણે ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની માંગ સંસદમાં કરી છે ત્યારે હવે કેન્દ્ર સરકાર કેવો ર્નિણય લે છે એ જાેવું રહ્યુ.