વડોદરા, તા.૨૮
સયાજી હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના ગેટ પાસે ઊભરાતી ડ્રેનેજનું સમારકામ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેના માટે મેડિકલ કોલેજના મુખ્ય ગેટ પાસે આવેલ ૧૫૦ વર્ષ જૂનું હેરિટેજ ઘટાદાર વૃક્ષ તેમજ પાસે આવેલ મંદિરની ડેલીની દીવાલ જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવી હતી. વરસોજૂના વૃક્ષને પગલે પર્યાવરણપ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વૃક્ષને જીવંત રાખવા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને રજૂઆત કરી હતી.
સરકારી સયાજી હોસ્પિટલ સંલગ્ન બરોડા મેડિકલ કોલેજ બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે છેલ્લાં કેટલાંક દિવસોથી ડ્રેનેજ લાઈન દુર્ગંધ મારતી હતી અને ડ્રેનેજનું ગંદું પાણી ઊભરાતાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું. આ મુખ્ય ગેટ પાસે તેમજ તેના નજીકના વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતાં જે અંગેના સમાચારો ‘લોકસત્તા-જનસત્તા’ અખબારમાં પ્રસિદ્ધ થતાં સફાળા જાગેલા હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આજે ડ્રેનેજ લાઈનનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રેનેજ લાઈનને કનેક્શન આપવા માટે નડતરરૂપ હોસ્પિટલના કેમ્પસમાં કોલેજ બિલ્ડિંગ પાસે ૧૫૦ વર્ષ જૂનું ‘કણજા’ (બોટોનિકલ ભાષામાં ડોલોપેરિયા) નામના ઘટાદાર વૃક્ષ તેમજ બાજુમાં આવેલ ધાર્મિક મંદિરની ડેલીની દીવાલ જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવી હતી. જેના પગલે શહેરના પર્યાવરણપ્રેમીઓ તેમજ વૃક્ષપ્રેમીઓ હિતાર્થ પંડયા દોડી આવ્યા હતા. કણજા નામના વૃક્ષનો અભ્યાસ કર્યા બાદ હેરિટેજની કેટેગરીમાં આવતું હોવાથી તેઓ હોસ્પિ.ના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વરને મળીને વૃક્ષ માટેની રજૂઆત કરી જાણકારી આપી હતી. ડો. રાજીવ દેવેશ્વરે હેરિટેજ વૃક્ષને જીવંત રાખી તેની કાળજી રાખવાની બાંહેધરી આપી હતી. ડ્રેનેજની મુખ્ય લાઈનને કનેક્શન આપવા માટે આ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.