કેનેડામાં સારી સગવડોવાળા મકાનોના ભાડામાં ે ઘટાડો થયો


કેનેડામાં મકાનોના સપ્લાયમાં છેલ્લા એક ક્વાર્ટરમાં વધારો થયો છે જેના કારણે ટોરંટોમાં કોન્ડોના ભાડા ઘટ્યા છે. જાેકે, તેનાથી હાઉસિંગની કટોકટીનો અંત નથી આવી જતો. કેનેડામાં હવે સરકારે નવા મકાન બાંધવાની સ્પીડ વધારી દીધી છે, આ ઉપરાંત ખાનગી રોકાણકારો પણ કોન્ડોમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે જેથી સપ્લાય વધ્યો છે. આમ છતાં એકંદરે ભાવ ઊંચા જ છે.

કેનેડામાં સ્ટુડન્ટ અને બીજા ઈમિગ્રન્ટના આગમનને કારણે મકાનોના ભાડા બહુ વધુ ગયા તે જાણીતી વાત છે, પરંતુ હવે થોડાક રાહતના સમાચાર આવ્યા છે. ટોરંટોમાં ત્રણ વર્ષમાં પહેલી વખત ફ્લેટના ભાડામાં ઘટાડો થયો છે. અહીં સારી સુવિધાઓવાળા જે મકાનો હોય તેને કોન્ડો કહેવામાં આવે છે અને તેના ભાડા ઘટ્યા છે. તેનું કારણ એ છે કે ભાડે આપવા માટે જે મકાનોનું લિસ્ટિંગ હોય તે વધ્યું છે.કેનેડાની છાપ એક એવા દેશની છે જે નવા લોકોને - ન્યૂ કમર્સને આવકારે છે. પરંતુ તેના માટે મકાનોના ભાવ અને ભાડા બંને એફોર્ડેબલ હોવા જાેઈએ કારણ કે આવું હોય તો જ લોકો કેનેડામાં રહી શકે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હાઉસિંગ ક્રાઈસિસ ચાલે છે. હજુ સુધી ક્રાઈસિસમાં રાહત નથી મળી. પરંતુ કેટલીક જગ્યાએ ભાડા ઘટ્યા છે. ગયા મહિને જુલાઈ ક્વાર્ટરમાં મકાનોના જે ભાડા ચાલતા હતા તેની સરખામણીમાં અત્યારે ભાડામાં ૧.૨ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લે ૨૦૨૧ના બીજા ક્વાર્ટરમાં મકાનના ભાડામાં પ્રથમ વખત વાર્ષિક ઘટાડો થયો હતો અને હવે ફરીથી ભાડા ઘટ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં મકાનોના ભાડા એટલા વધ્યા હતા કે એક પ્રકારે હાઉસિંગ કટોકટી જ પેદા થઈ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા - આ ત્રણેય દેશ સ્ટુડન્ટ્‌સમાં ફેવરિટ છે અને ત્રણેય જગ્યાએ મકાનોના ભાડા બહુ વધી ગયા છે. તેના કારણે કેનેડામાં સરકારે નવા મકાન બાંધવાની સ્પીડ વધારી દીધી છે જેથી કરીને મકાનોની શોર્ટેજ ઘટે અને ભાડા થોડા કન્ટ્રોલમાં આવે. પરંતુ કેનેડાના સૌથી મોટા શહેર ટોરંટોમાં તાજેતરમાં મકાનોનું લિસ્ટિંગ વધ્યું હોવાથી ભાડામાં રાહત થઈ છે. તાજેતરમાં ઘણા ઈન્વેસ્ટરોએ પોતાના મકાનો ભાડે આપવા માટે લિસ્ટિંગ કરાવ્યા છે. ઘણા મકાનો કેટલાક સમયથી બની રહ્યા હતા જે હવે તૈયાર થઈ ગયા છે જેના કારણે રેન્ટલ લિસ્ટિંગમાં ૪૭ ટકાનો વધારો થયો છે. પરંતુ કોન્ડો તરીકે ઓળખાતા આ એપાર્ટમેન્ટના ભાડા ઘટ્યા તે રોકાણકારો માટે ચિંતાની વાત છે કારણ કે એક તરફ મોર્ગેજ રેટ વધ્યા છે અને બીજી તરફ ભાડાની આવક ઘટી છે. તેના કારણે તેઓ દર મહિને હજારો ડોલરની ખોટ કરે તેવી શક્યતા છે. તેમનો ખર્ચ વધી ગયો છે અને ઈન્કમ ઘટી છે. તાજેતરમાં બેન્ક ઓફ કેનેડાએ વ્યાજના દરમાં કાપ મૂક્યો છે પરંતુ તેનાથી પણ આ ગણિત બદલાય તેવી શક્યતા ઓછી છે. ટોરન્ટોમાં જેમના નવા એપાર્ટમેન્ટ તૈયાર છે અને ભાડે આપવાના છે તેમને દર મહિને લગભગ ૬૦૦ કેનેડિયન ડોલરનું નુકસાન જશે. હવે એક્સપર્ટ કહે છે કે ટોરંટોમાં ફ્લેટનો જે સપ્લાય વધ્યો છે તે કામચલાઉ હોઈ શકે છે. મકાનમાલિકો પર પ્રેશર છે જેના કારણે સેલ્સ માર્કેટ નરમ છે. અને લોનનો રેટ ઊંચો હોવાના કારણે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પણ નબળી જ રહેશે. આ દરમિયાન ટોરંટો સિટીમાં જે લોકો ઊંચા ભાડાના કારણે પરેશાન હતા તેમને થોડી રાહત મળશે. ટોરંટોમાં ખાસ ભાડે આપવા માટે પણ રેન્ટલ એપાર્ટમેન્ટ બનતા હોય છે અને તેમાં રેન્ટમાં વધારો ઘટીને ૨.૨ ટકા થયો હતો અને ખાલી ફ્લેટની સંખ્યા વધીને ૧૧ મહિનાની ટોચ પર પહોંચી ગઈ હતી. કેનેડામાં મકાનો જ્યારે મોંઘા હોય અથવા ભાડાનો દર બહુ ઊંચો હોય ત્યારે માઈગ્રન્ટ્‌સને સૌથી વધુ ફટકો પડે છે. બે મહિના અગાઉ એક સરવે થયો હતો જેમાં ૨૮ ટકા કેનેડિયનોએ કહ્યું હતું કે તેમના પ્રોવિન્સમાં ભાડાના દર એટલા ઊંચા છે કે તેમને પોસાતા નથી અને તેઓ પોતાનું પ્રોવિન્સ છોડી જવા વિચારે છે. જે લોકો ૧૦ વર્ષથી કેનેડામાં રહે છે તેવા ૩૯ ટકા લોકો માને છે કે મકાનો આટલા મોંઘા હશે તો તેમણે પોતાનું પ્રોવિન્સ કદાચ છોડવું પડશે. તે સમયે જ ચેતવણી આપવામાં આવી હતી કે કેનેડામાં નવા મકાનોનું કન્સ્ટ્રક્શન ઝડપથી વધારવામાં નહીં આવે તો હાઉસિંગમાં સ્થિતિ વિકટ બનશે અને લોકોએ મોટા શહેરો છોડવાની નોબત આવશે. કેનેડામાં મકાનોનો સપ્લાય ઓછો છે તેના માટે એવું કારણ આપવામાં આવે છે કે વસતી વધી ગઈ છે અને વ્યાજના દર ઊંચા છે. આ ઉપરાંત કેનેડામાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરી શકે તેવા વર્કર્સની પણ અછત છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution