નિરાંત! તું છૂપી હૈ કહાં?

આમ ન્હોતો શ્વાસ લેવાનો સમય,

પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ.

-હેમેન શાહ

નિવૃત્તિ,નચિંતતા, શાંતિ,આરામ,નિરાંત, આ બધા જ એક સરખા લાગતા શબ્દો જુદા જુદા અર્થો ધરાવે છે.

નિવૃત્તિનો અર્થ છે કર્મશીલતાથી મુક્ત થવું અથવા કાર્યમાંથી નિવૃત્તિ લેવી. નચિંતતા એટલે ચિંતા કે કલેશ વિનાની અવસ્થા એવો અર્થ થાય છે. શાંતિ એટલે મનનું શાંત હોવું , સહજ હોવું. આરામ જેને આપણે શારીરિક અને માનસિક રિલેક્સેશન, જે મગજ અને શરીરને પુનર્જીવિત કરે.

 અને આ બધા જ શબ્દોના અર્થ જાણી લીધા પછી આ શબ્દોને જાે આપણે ખરા અર્થમાં માણવા હોય તો આ શાંતિ આપણને શેમાંથી મળે છે? તેના માટે મનન કરવું જરૂરી બની જાય છે. ક્યારેક કામ પૂર્ણ થાય ત્યારે શાંતિ મળે છે. તો ઘણી વખત કામની વચ્ચે થોડો આરામ કરી લેવાથી પણ મન શાંત થઈ જાય છે. વ્યક્તિગત ભિન્નતા પ્રમાણે શાંતિ મેળવવાની રીતો ભલે અલગ અલગ હોય છે પરંતુ શાંતિ મળવાનું કારણ તો મનમાં જ પડેલું છે.

પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક ‘સોક્રેટીસ’ની 'નિરાંતની વાર્તા’ ઘણી લોકપ્રિય છે. એક દિવસ સોક્રેટીસ પાસે એક વ્યક્તિ આવી અને શાંતિ અને નિરાંત કેવી રીતે પ્રાપ્ત કરવી તેની વિદ્યા શીખવવા કહ્યું.

સોક્રેટીસ તેને નજીકના નદીના કિનારે લઇ ગયા અને કહ્યું, “નદીના જળને ધ્યાનપૂર્વક નિહાળો.” તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈને નિહાળવા લાગ્યો. થોડા સમય પછી, સોક્રેટીસે પૂછ્યું, “તમને શું દેખાય છે?”

 વિદ્યાર્થીએ જવાબ આપ્યો, “જળની લહેરો આંશિક રીતે સ્થિર છે અને આંશિક રીતે ચંચળ છે.” સોક્રેટીસે સમજાવ્યું, “બસ, જીવન પણ એવું જ છે. જે રીતે જળની લહેરો આંશિક રીતે સ્થિર અને આંશિક રીતે ચંચળ હોય છે, તેમ આપણા જીવનમાં પણ આંશિક શાંતિ અને આંશિક વાવાઝોડા હોય છે. શાંતિનું રહસ્ય એ છે કે જ્યારે લહેરો ચંચળ હોય ત્યારે પણ તમારા મનને સ્થિર રાખવું અને જયારે લહેરો સ્થિર હોય ત્યારે આપણે કાર્યમાં ત્વરા રાખવી..”

આ વાર્તા વર્ષો પહેલાંની છે પરંતુ અત્યારના સંદર્ભમાં પણ તેને સમજી શકાય છે. શાંતિ ક્યારે અને ક્યાંથી મળે છે? તે પ્રશ્નનો જવાબ મેળવવો જેટલો જરૂરી છે તેમ આ શાંતિ કેમ ડહોળાઈ જાય છે તે જાણવું એટલું જરૂરી બની જાય છે. આપણી આસપાસની પરિસ્થિતિ વાતાવરણ કે ઘટનાઓ જ્યારે ખૂબ જ ધાંધલધમાલવાળી અથવા તો અશાંત કે પ્રતિકૂળ હોય ત્યારે આપણે બિલકુલ સ્થિર થઈ જવાનું છે. અને આસપાસની પ્રકૃતિ જ્યારે ખીલેલી હોય, ઓછી મહેનતે જ આપણા બધા કાર્ય સફળ થતા હોય તે વાતાવરણને ઝીલી લેવાનું છે. અને વધારે ઉત્સાહ અને ઉમંગથી આપણા કાર્યને પૂરું કરવાનું છે તો જ સાચા અર્થમાં આપણને કાર્ય પૂર્ણ કર્યાની નિરાંત મળશે.

 હા....શ...ના તરંગો એક મોટું વલય આપણા મનમાં બનાવે છે. કહેવાય છે કે વલય બનવા માટે શાંતિ કે સ્થિરતા જાેઈએ. એટલે જ દરિયાને બદલે શાંત જળમાં વલય વધારે દેખાય છે. આ શાંતિ કે નિરાતનું વલય કેમ મનને આટલું આનંદિત કરે છે? કારણ કે તે આસાનીથી પ્રાપ્ત નથી થતું. આમ જાેવા જઈએ તો નિરાંત જ છે. પણ આપણે તેને માણવાની ફુરસદ નથી. બિનજરૂરી રીતે સમય કોઈના વિચાર કોઈની ટીકાટીપ્પણી કે નકામી બાબતોમાં વ્યર્થ થઈ જાય છે અને આપણી શાંતિ બસ આમાં જ ખોવાઈ જાય છે. ઘણી વખત આપણે સમયના ખંડ પાડી દઈએ છીએ અને બીજા બધાને આપણો સમય આપી દઈએ છીએ પરંતુ અંતે આપણા માટે કંઈ બચતું જ નથી. તેના કરતાં બધામાંથી થોડો થોડો સમય બચાવીને થોડો સમય ફક્ત આપણી જાતને જ આપવો જાેઈએ. જેથી મૃત્યુ પહેલા જ કે કોઈ અસાધ્ય બીમારી પહેલા જ આપણે આપણી ફુરસદને માણી શકીએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution