વડોદરા : પાદરા તાલુકાના ભદારી ગામની સીમમાં આવેલ કપાસના ખેતરમાં ખેતમજૂરી કામ કરતા ૩૫ વર્ષીય શ્રમજીવીને ચિતોડ જાતીના સાપે પગના ભાગે વીંટળાઈને બે ડંશ માર્યા હતા. જેમાં એક ડંશ પહેરેલા ચપ્પલ પર માર્યો હતો અને બીજાે ડંશ પંજા ઉપર માર્યો હતો. ડંશ મારીને ભાગવા જતા સાપને પકડીને મારી નાખ્યો હતો, જે પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી પોતે સારવાર માટે મૃત સાપ સાથે લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો. ફરજ પરના તબીબે ચિતોડ સાપની જાતિના આધારે સારવાર હાથ ધરી હતી. મૃત સાપ જાેઈને તબીબો સહિતના સ્ટાફમાં કુતૂહલ વ્યાપી ગયું હતું.
પાદરા તાલુકાના ભદારી ગામે રમેશ મેલાભાઈ વસાવા ઉં.વ.૩પ ગામની સીમમાં કપાસના ખેતરમાં ખેતમજૂરી કામ કરે છે. તે આજે બપોરે દોઢ-બે વાગ્યાની આસપાસ કપાસના ખેતરમાં ખેતીકામ કરતો હતો તે વખતે અચાનક નીકળેલા ચિતોડ જાતિનો સાપ રમેશ વસાવાના પગે વીંટળાઈ ગયો હતો અને ઉપરાછાપરી બે ડંશ માર્યા હતા. જેમાં એક ડંશ ચપ્પલ ઉપર માર્યો હતો, જ્યારે બીજાે ડંશ પગના પંજા ઉપર માર્યો હતો. ડંશ માર્યા બાદ સાપ ભાગવા જતાં તેને પકડીને જમીન ઉપર પછાડીને મારી નાખ્યો હતો. આ અંગેની જાણ તેના દીકરાને કરતાં કાકાનો દીકરો મરેલા સાપને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી મૃત સાપ સાથે રમેશ વસાવાને સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, જ્યાં તેને મૃત સાપ તબીબને બતાવતાં સાપની જાતિના આધારે સારવાર હાથ ધરી હતી. સાપને સાથે લઈને આવતાં તબીબો અને સ્ટાફમાં કુતૂહલ વ્યાપી ગયું હતંુ.