ગાંધીનગર/સુરત, ગુજરાતમાં આગામી દિવસોમાં ૧૦ હજારથી વધુ એલઆરડી અને ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી થવાની છે. ત્યારે આ ભરતીને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ભરતીમાં કોઈ પણ જાતની ગેરરીતિ કે લાગવગને કોઈ સ્થાન નથી. આ ભરતી પારદર્શક રીતે થશે. તેમજ ઉમેદવારોએ એજન્ટો કે વચેટિયાઓની વાતોમાં ભોળવાઈ ન જવા ગૃહ રાજ્ય મંત્રીએ અપીલ કરી છે. રાજ્ય સરકારના પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લોક રક્ષક દળ (એલઆરડી)માં ૧૦,૪૫૯ જેટલી જગ્યાઓ તેમજ ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એલઆરડીની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે ૯.૬૦ લાખ કરતા વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે ૧૩૦૦ પીએસઆઈની જગ્યાઓ માટે પણ લાખોની સંખ્યામાં યુવાનોએ અરજીઓ કરી છે. એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે રાજ્યના લાખો યુવાનો તેઓ સફળ થશે તેવી આશાઓ સાથે મહેનત કરી રહ્યા છે. ત્યારે આ યુવાનોમાં કઈક અંશે અંદર ખાને એવો ડર પણ છે કે, અગાઉની પરીક્ષાઓની જેમ પેપર લીક નહી થાય ને? આ સંજાેગોમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા તાજેતરમાં એવું જણાવાયું છે કે, આ ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિને સ્થાન નથી. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હસમુખ પટેલની આ વાતને દોહરાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કોઈ સ્થાન નથી. ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેદવારોને એમ પણ જણાવ્યું હતું કે, ઉમેદવારો કોઈ પણ એજન્ટોની ચંગુલમાં આવે નહિ, તેમજ કોઈ પ્રલોભનનો શિકાર બને નહિ. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ઉપર જિલ્લાભરની પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ આવા એજન્ટોને શોધી રહી છે. હજુ કેટલાક ઉમેદ્વ્વારો લાગવગ થશે તેવી આશાઓ રાખીને બેઠાં છે. ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ પણ પૈસા લઈને નોકરી અપાવવાની વાતો કરીને ઉમેદવારો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ ગોપનિયતા જળવાય તેમજ મહેનતુ ઉમેદવારોને ન્યાય મળે તેવી દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.