ભરૂચ, તા.૨૭
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચમાં એપ્રેન્ટીસ ઇલેક્ટ્રિશિયન લાઈનમેનના ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં રોજગાર કચેરીમાંથી ઇલેક્ટ્રિશિયન ગ્રેડના ૪૫૦ યુવાનોને કોલ લેટર અપાતા વીજ કમ્પનીની ભરૂચ વર્તુળની મકતમપુર સ્થિત કચેરી ખાતે ઇન્ટરવ્યૂ માટે યુવાનો આવ્યા હતા. વહેલી સવારે વીજ કંપનીના અધિકારીઓએ જે યુવાનોએ જીસીવીટીમાંથી તાલીમ લીધી હોય તેમને ઘેર પાછા જવાનું કહેતા યુવાનો ગરમાયા હતા. કંપનીએ યુવાનોને કોલ લેટર આપી ઇન્ટરવ્યૂ માટે કેમ બોલાવ્યા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે વીજ કમ્પનીના અધિકારીઓએ સમજાવટથી કામ લેતા પ્રશ્ન હલ થઈ ગયો હતો. વીજ કમ્પનીના અધિકારીના કહેવા મુજબ એપ્રેન્ટીસ ઇલેક્ટ્રિશિયન લાઈનમેન માટે એસીવીટી એટલે કે જે યુવાનોએ નેશનલ કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનિંગમાંથી તાલીમ મેળવી હોય તેઓ જ યોગ્યતા ધરાવતા હોવાનો ખુલાસો કર્યો હતો. આ સાથે રવિવારના રોજ અંકલેશ્વર અને ત્યાર બાદ સોમ તથા મંગળવારના રોજ રાજપીપળા ખાતે પણ ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.