દિલ્હી-
ઈમરાન ખાનના ‘ન્યુ પાકિસ્તાન’ને ભારતીય સેનાના પરાક્રમથી એ હદે ડરી ગયા છે કે તેણે પોતાના સૈનિકોને હાઇ એલર્ટ પર રાખ્યા છે. પાકિસ્તાનને ડર છે કે ભારત બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ કર્યો છે. જીઓ ન્યૂઝે પાકિસ્તાનના અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે ભારત ફરી એકવાર પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે.
ભારતીય સેના એ ભૂતકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ સર્જીકલ સ્ટ્રાઇકથી આપી ચૂકી હતી, જેના લીધે પાકિસ્તાનને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઈમરાન ખાનની સરકાર હજી એ ડરમાંથી બહાર નીકળી નથી, એવામાં જાે ભારત ફરીથી કોઈ મોટી કાર્યવાહી કરશે તો પાકિસ્તાન ખૂબ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે. આથી ઇમરાને પોતાની સેનાને હાઈએલર્ટ પર રાખી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખ અને ડોકલામમાં ઝાટકો લાગ્યા બાદ ભારત નિયંત્રણ રેખા અને ભારત-પાકિસ્તાન વર્કિંગ બાઉન્ડ્રી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. હુમલો થવાની સંભાવનાને કારણે પાકિસ્તાનના સશસ્ત્ર દળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારત આવું પોતાની આંતરિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કરી શકે છે. રિપોર્ટ અનુસાર ભારત ખેડૂત આંદોલન અને અન્ય મુદ્દાઓથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભટકાવવા માટે બોર્ડર એક્શન અથવા સર્જિકલ સ્ટ્રાઈકનો સહારો લઈ શકે છે.