10, એપ્રીલ 2025
વોશિંગ્ટન ડીસી |
ચીનનો ટેરિફ 104%થી વધારી 125% કર્યો, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, ચીને વૈશ્વિક બજાર પ્રત્યે આદર દર્શાવ્યો નથી
ચીને US પર 84% ટેરિફની જાહેરાત કરી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 75થી વધુ દેશો પર રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ માટે રોકી દીધો છે જો કે આ નિર્ણયમાંથી ચીનને બાકાત રાખવામાં આવ્યું છે. આ તેમના નિર્ણય સાથે જ અમલી થઈ ગયું છે. ટ્રમ્પએ ચીનના ટેરિફને 104% થી વધારીને 125% કર્યો છે. ટ્રમ્પે આ કાર્યવાહી ચીન દ્વારા લગાવવામાં આવેલા જવાબી 84% ટેરિફ બાદ કરી છે.ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ચીને વૈશ્વિક બજાર પ્રત્યે આદર દર્શાવ્યો નથી. એટલા માટે હું તે ટેરિફ વધારીને 125% કરી રહ્યો છું. મને આશા છે કે ચીન ટૂંક સમયમાં તે સમજી જશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાના દિવસો પૂરા થઈ ગયા છે. યુરોપિયન યુનિયન (EU)એ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર વળતો પ્રહાર કરીને ઘણાં યુએસ ઉત્પાદનો પર 25% સુધીના ટેરિફને મંજૂરી આપી. આ દ્વારા EU અમેરિકા પર કરાર પર પહોંચવા માટે દબાણ લાવવા માંગે છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, EUની યાદીમાં સોયાબીન, માંસ, ઈંડા, બદામ, લોખંડ, સ્ટીલ, કાપડ, તમાકુ અને આઈસક્રીમ સહિત ઘણાં અમેરિકન ઉત્પાદનોને લક્ષ્ય બનાવવામાં આવ્યાં છે. બીજી તરફ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં, ચીને પણ અમેરિકા પર 84% ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ આવતીકાલથી લાગુ થશે. અગાઉ ચીને અમેરિકન માલ પર 34% ટેરિફ લાદ્યો હતો, જેમાં આજે 50%નો વધારો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે 75થી વધુ દેશોએ અમેરિકાના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે અને આ દેશોએ મારા મજબૂત સૂચન પર અમેરિકા સામે કોઈપણ રીતે જવાબી કાર્યવાહી કરી નથી. તેથી મેં 90 દિવસનો વિરામ સ્વીકાર્યો છે. ટેરિફ પર આ રોક નવા વેપાર કરારો પર વાટાઘાટો માટે સમય આપશે. નાણામંત્રી સ્કોટ બેસન્ટે કહ્યું કે અમેરિકા સાથે વાટાઘાટો કરવા ઇચ્છુક દેશો માટે આ દર ઘટાડીને 10% કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેનેડા અને મેક્સિકોથી કેટલાક માલ-સામાન પર 25% ટેરિફ લાગતો હતો. હવે તેમને બેઝલાઇન ટેરિફમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી ન હતી કે યુરોપિયન યુનિયન આ બેઝલાઇન ટેરિફમાં સામેલ છે કે નહીં.
જાહેરાત થતાં જ યુએસ શેરબજારમાં 10%ની તેજી
ટેરિફ રોકવાની જાહેરાતના માત્ર ચાર કલાક પહેલા, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ધીસ ઈઝ એ ગ્રેટ ટાઈમ ટુ બાય (ખરીદી કરવાનો આ ઉત્તમ સમય છે)." આ પછી, ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ રોકવાની જાહેરાતથી શેરબજારોમાં તેજી ફરી શરૂ થઈ.ડાઓ જોન્સ 2,600 પોઈન્ટ (7.1%)થી વધુ ઉછળ્યો. S&P 500માં 9.5%નો વધારો થો. નાસ્ડેક 1536 પોઈન્ટ એટલે કે 10.3% વધ્યો. નેસ્ડેકમાં આ વધારો 2008ની મંદી પછીનો સૌથી મોટો છે. તેમજ, એપલ, એનવીડિયા, ટેસ્લા જેવી કંપનીઓના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો.ટેસ્લામાં સૌથી મોટો વધારો 20.01% હતો. બિટકોઈનમાં પણ 6%નો વધારો થયો. એ નોંધવું જોઈએ કે એક દિવસ પહેલા, ટેરિફ વોરથી ચિંતિત વિશ્વભરના બજારોમાં 4%નો ઘટાડો થયો હતો.
ચીન પર ટેરિફ કેમ વધાર્યો?
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ટેરિફ પાછો ખેંચીને એવા દેશોને પ્રોત્સાહિત કર્યા છે જેમણે યુએસ સામે મોરચો માંડ્યો નથી. કારણ કે બુધવારે જ ચીને અમેરિકા પર ટેરિફ 34%થી વધારીને 84% કરવાની જાહેરાત કરી હતી. તેથી ટ્રમ્પે ચીન પર ટેરિફ 104% થી વધારીને 125% કર્યો.