લેખકઃ રાજેશ વાધેલા |
“પપ્પા, મારે આગળ ભણવું છે. કૉલેજ કરવી છે.” ઋતુએ કહ્યું.
“બસ હવે. આટલું તો બોવ થયું. આગળ ભણીને ક્યાં જવું છે?” પપ્પાએ કડક શબ્દોમાં જણાવી દીધું.
“ભાઈ કરતાં તો મારે ખૂબ સારા માર્ક આવ્યા છે. એ ભણે છે તો મને...” ઋતુ વાકય પુરું કરે ત્યાં જ એના પપ્પાએ જાેરથી ઘાંટો પાડ્યો, “કીધું ને એકવાર, સમજ નથી પડતી?”
એની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. એ ભારે હૃદયે ઘરની બહાર નીકળી ગઈ.
એ નજીકમાં આવેલા બગીચામાં જઈને એક બાંકડે બેઠી. બધાં આંસુને વહાવીને એ હળવી થઈ. એની નજર બગીચામાં મહેંદીની વાડમાં કોળાયેલી કૂણી ડાળીઓને માળી કાતરથી કાપી રહ્યો હતો તેનાં પર પડી. વાડની ડિઝાઇનમાં સહેજ પણ નડતરરૂપ લાગતી ડાળને માળી કાતરથી કાપતો હતો!
એ સ્થિર દૃષ્ટિએ તે ક્રિયાને તાકતી વિચારે ચડી. “કેટલી સુંદર! કેવી કૂણી કૂણી કોળાઈ છે. એ પણ વધવા માંગે છે, પણ ર્નિદય માળી એને ક્યાં વધવા દે છે! કટ કરતાંકને કાપી નાખે છે.” એને થયું કે માળી પાસે જઈને એને વિનંતી કરું કે એ કુમળી ડાળખીઓને ન કાપે. એને વધવા દે. બાંકડેથી ઊભી થઈને ધીમાં પગલે માળી પાસે આવી એણે કહ્યું, “ભાઈ, આ કુમળી ડાળીઓને શું કામ કાપો છો? એનો શું વાંક છે? એને વધવા દ્યો ને.”
માળીએ ઋતુ સામે એક નજર કરીને કાતરથી કાપવાનું કામ ચાલું રાખતા કહ્યું, “એ ગમે એવી કૂણી કેમ ન હોય, એને સમય આવ્યે કાપવી જ પડે. વધવા દ્યે તો વાડના દેખાવને બગાડે.” મહેંદીની કૂણી અને લીલી ડાળીઓ કટ-કટ અવાજ સાથે કપાઈને નીચે પથરાતી હતી.
ઋતુએ નીચે પડેલી મહેંદીની કુમળી એક ડાળી ઉઠાવીને જાેયું તો તેમાં એને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું ત્યાં બીજી બાજુ એની નજર બીજા માળી પર પડી જે સાવ સૂકાઈ ગયેલા ગુલાબના છોડને ટકાવવા એમાં ખાતર પાણી નાંખીને એની માવજત કરવાના વ્યર્થ પ્રયત્નમાં લીન હતો!
ઋતુને વિચાર આવ્યો કે જાે આ મહેંદીને વાચા હોત તો એ આમ, પોતાને મહોંરવાની માંગ કરત કે નહીં! એ કમ સે કમ એકવાર તો માળીને પોતાના મનની વાત કરત કે નહીં!
હા, મહેંદીને વાચા નથી પણ પોતાને તો ઈશ્વરે અવાજ આપ્યો છે...એક નિર્ધાર કરીને એણે ઘર ભણી મક્કમ ડગલાં ભર્યા. જાતાં જાતાં ગુલાબનાં માળીને કહેતી ગઈ કે ખાતરપાણી લાયક છોડ પાછળ ખર્ચો.