વડગામ : રાજયના છેવાડાના વિસ્તારોમાં રહેતા કોઇપણ સમાજનો વ્યક્તિ ગરીબ કે વંચિત ન રહે તે માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર દ્વારા અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવે છે. દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે મારે પણ સરસ મજાનું ઘર હોય. એમાં હું અને મારો પરિવાર આનંદ કિલ્લોલ સાથે સુખી જીવન જીવતા હોઇએ. આવા હજારો લોકોના સપનાઓને સાકાર કરવા અને દરેકને માથે છત પુરી પાડવા રાજય સરકારે વિવિધ આવાસ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લઇ ઘણાં કુંટુંબોએ સરસ મજાના ઘર બનાવ્યાં છે. આવી જ એક યોજના રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને મકાન બનવવા માટે સહાય આપવાની છે. જેમાં અનુસૂચિત જાતિના કુટુંબો કે જેમની પાસે રહેવા લાયક ઘર કે મકાન ન હોય, માટીનું, કુબા ટાઇપ કાચું મકાન ધરાવતા હોય, અથવા પોતાની માલિકીનો સ્વતંત્ર ખુલ્લો પ્લોટ હોય તેવા કુંટુંબોને વ્યક્તિગત ધોરણે મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે તેમજ ટોયલેટ બ્લોક માટે રૂ. ૧૨,૦૦૦ની સહાય અપાય છે. આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧.૫૦ લાખ છે. અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિઓ માટે આવક મર્યાદાનું કોઇ ધોરણ નથી.
રાજયમાં અનુસૂચિત જાતિના કોઇ વ્યક્તિ પોતાના મકાનથી વંચિત ન રહે તે માટે ર્ડા.આંબેડકર આવાસ યોજના આશીર્વાદ સમાન છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ ૨૦૧૯-૨૦માં અનુ.જાતિના અને તે પૈકી અતિ પછાત જાતિ જેવી કે, વાલ્મિકી, હાડી, નાળીયા, સેનમા લોકો માટે ર્ડા. આંબેડકર આવાસ હેઠળ રૂ. ૭.૫૫ કરોડની મકાન સહાય આપી તેમના સપનાનું ઘર બનાવવાનું સપનું આ સરકારે સાકાર કર્યુ છે. બનાસકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાસીયાએ જણાવ્યું કે, આ વર્ષે અનુસૂચિત જાતિના ૭૯૧ લાભાર્થીઓ તથા અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના ૧૭૦ લાભાર્થીઓ મળી કુલ ૯૬૧ લાભાર્થીઓના આવાસો મંજુર કરાયા છે. તેમણે કહ્યું કે, જુન-૨૦૨૦ અંતિત ૧૯૬ લાભાર્થીઓને રૂ. ૧.૧૪ કરોડની દ્વિતીય હપ્તાની સહાય ચુકવાઇ છે. ડીસા તાલુકાના મુડેઠા ગામના ર્ડા. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી ભરતભાઇ શ્રીમાળીએ જણાવ્યું કે, અમે છાપરામાં રહેતા હતાં.ચોમાસા અને શિયાળાની સીઝનમાં ખુબ જ તકલીફો પડતી હતી. શ્રી ભરતભાઇ શ્રીમાળીએ કહ્યું કે, રાજય સરકારની સહાયથી મારું પોતાનું મકાન બનતાં જિંદગી હવે આરામદાયક લાગે છે.