કિરણ અને રેખા

ચોથા ધોરણમાં ભણાવતા મહેતા સાહેબ બોર્ડ ઉપર કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, રેખા, કિરણ, અને રેખાખંડ જેવી ગાણિતિક આકૃતિઓ દોરીને વિદ્યાર્થીઓને એક પછી એક આકૃતિ વિશે સમજાવી રહ્યા હતાં.

બોર્ડ પરની આકૃતિ દેખાડી મહેતા સાહેબ બોલ્યાં,

"વિદ્યાર્થીમિત્રો, આ જે આકૃતિ તમે જાેઈ રહ્યા છો એ 'લઘુકોણ’ છે. જેનું માપ હંમેશા ૯૦ અંશ કરતા ઓછું જ હોય.”

એ પછી ક્રમશઃ કાટકોણ અને ગુરુકોણની વિભાવના સમજાવી ત્રણેય ખૂણા વિશે થોડીક પ્રશ્નોત્તરી કરી. એ પછી રેખા, કિરણ અને રેખાખંડ વિશે સમજાવવા મહેતા સાહેબ આગળ વધ્યાં.

બોર્ડ ઉપર દોરેલ 'કિરણ’ તરફ લાકડી દર્શાવતા બોલ્યાં, “કિરણ હંમેશા સુરેખ એટલે કે સીધી જ હોય. એ એક તરફ જ આગળ વધે છે.’ એ પછી 'રેખા’તરફ લાકડી ચીંધતા બોલ્યા, “ 'રેખા’ પણ 'કિરણ’ જેવી જ સીધી હોય. એ પણ...” મહેતા સાહેબ આગળ વધુ બોલે એ પહેલાં જ મેહુલ વચ્ચે બોલ્યો, “કિરણ જેવી રેખા કોઈ દિવસ બની જ ન શકે, એ બંનેમાં તો બોવ બધો ફેર છે..” મહેતા સાહેબ મેહુલના બોલાયેલ શબ્દો સાંભળી નિરુત્તર બની ગયાં. મહેતા સાહેબને વહારે આવતા એ જ સમયે રજાનો બેલ વાગ્યો અને એ ઝડપભેર વર્ગખંડની બહાર નીકળી ગયાં.

બાઈક ઉપર ઘરે જતી વખતે પણ મહેતા સાહેબ અને મેહુલ વચ્ચેનું મૌન વધુ ઘેરું બનતું ગયું. ઘરે પહોંચતા જ મહેતા સાહેબે મેહુલને છાતી સરસો ચાંપી લીધો, ને દીવાલ પરની છબીમાં મરક મરક હસતી મેહુલની મમ્મી કિરણ તરફ ભારે હૈયે જાેવા લાગ્યાં.

 "બાપ-દીકરો શું વેવલાવેડા કાઢો છો!” રસોડામાંથી નવી પત્ની રેખાનો ફળફળતો અવાજ આવ્યો ને મહેતા સાહેબ અંદરથી દાઝી ગયાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution