અમદાવાદ-
વાંકાનેરમાં આવેલી એક્સેલ પેપર મિલમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી, આગે ટૂંક જ સમયમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું, કહેવામાં આવે છે કે વાંકાનેર અને હળવદના ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા સખત પ્રયત્ન કર્યો હતો, છતાં તેઓ આગ પર કાબુ મેળવી શક્યા નહતા. તેથી તેમણે રાજકોટ થી ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક વાંકાનેર બોલાવી હતી, તેમને પણ આવીને આગ પર કાબુ મેળવવાની કોશિશ શરુ કરી દીધી છે, કહેવામાં આવે છે કે પેપર મિલના એક શેડને આગે ભરડો લીધો હતો જ્યાં લગભગ 3500 થી 4000 ટન પેપરની કાચોમાલ રાખવામાં આવ્યો હતો તે બળીને ખાક થઈ ગયો હતો. પેપરમિલનાં માલિકના જણાવ્યા પ્રમાણે લગભગ રૂપિયા 8 કરોડનું નુકશાન થયાનો અંદાજ છે, આગ લાગી ત્યારે સદનસીબે કોઈ વ્યક્તિ તે ગોડાઉનમાં હાજર નહોતું, જેના કારણે કોઈ જાનહાની થઈ નથી. ત્યારબાદ મોરબી ની ફાયર ની ટુકડીને પણ બોલાવી લેવામાં આવી હતી. આજે સવારે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આગ પર કાબુ મેળવી શકાયો નથી. પરંતુ આગ 14 કલાક બાદ પણ કાબુમાં આવી નથી. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આગ લાગવાનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી. વાંકાનેરના પ્રાંત અધિકારી અને પોલીસે ઘટના સ્થળે પહોચીને આગ લાગવા અંગેનો તાગ મેળવવા પ્રયાસ શરુ કર્યા છે. આગ વહેલી તકે ઓલવાઈ જાય તે માટેના અન્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.