આપણે અગાઉના અંકમાં શ્રી રામ પ્રભુની કુંડળી જાેઈ. રામની કુંડળીની વાત કર્યા પછી જાે રાવણની કુંડળીની ચર્ચા ના કરીએ તો એ અભ્યાસ અધૂરો ગણાય! બંને સમકાલિન હતા. બંનેની શક્તિ પણ લગભગ સમાન હતી. ફરક માત્ર એટલો હતો કે રામ પોતાના આદર્શોની મર્યાદામાં રહીને મર્યાદા પુરૂષોત્તમ બન્યા જ્યારે રાવણે મર્યાદાની લક્ષ્મણરેખા ઓળંગીને રામના હાથે પોતાનું પતન નોંતર્યું.
તો ચાલો, આ અંકમાં રાવણની કુંડળી જાેઈએ. સૌ પ્રથમ રાવણને જરા જાણી લઈએ. સંસારમાં અત્યાર સુધી જેમણે જ્યોતિષશાસ્ત્રનો સૂંપર્ણ અભ્યાસ કર્યો હોય અને જેમને આ શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોય તેવા મહાપુરૂષોમાં બ્રહ્મા, શંકર અને નારદ પછી રાવણનું નામ આવે છે. શંકરનો મહાભક્ત રાવણ પોતે શંકરની જેમ જ જ્યોતિષશાસ્ત્રનો પ્રખર વિદ્વાન હતો. તે પણ એટલે સુધી કે જ્યોતિષશાસ્ત્રના અભ્યાસથી ગ્રહોની શક્તિને જાણ્યા પછી રાવણે પ્રખર તપસ્યા કરી હતી અને આ તપસ્યા દ્વારા એવું બળ પ્રાપ્ત કર્યું હતું કે પોતે ચાહે ત્યારે પોતાની કુંડળીમાં કોઈ પણ ગ્રહને કોઈ પણ સ્થાનમાં મૂકી શકે. એટલે કે રાવણની પાસે એ બળ હતું કે તે ધારે ત્યારે, ધારે તે રીતે પોતાની કુંડળીના ગ્રહોને બદલી શકે!
આપણે રાવણની કુંડળી જાેઈએ.
સૌ પ્રથમ કુંડળીની વિશેષતાઓ પર નજર કરીએ. કુંડળીના જન્મસ્થાનમાં એટલે કે પ્રથમ સ્થાનમાં સ્વગૃહી સૂર્ય છે. બીજા સ્થાનમાં ઉચ્ચનો બુધ છે. ત્રીજે ઉચ્ચનો શનિ છે. છઠ્ઠે ઉચ્ચનો મંગળ છે જે ચંદ્રની સાથે યુતિ કરીને ઉચ્ચ શ્રીયોગ કરી રહ્યો છે. બારમે કર્ક રાશિનો શુક્ર છે. આમ એક જ કુંડળીમાં ત્રણ ગ્રહો ઉચ્ચના છે અને એક ગ્રહ સ્વગૃહી છે. ઉપરાંત લગ્નસ્થાને જ સ્વગૃહી સૂર્યની સાથે ગુરૂ બિરાજમાન છે. સૂર્ય આત્માનો ગ્રહ છે તો ગુરૂ ધર્મનો ગ્રહ છે. સૂર્ય સત્તા આપે છે તો ગુરૂ સમૃદ્ધિ આપે છે. ઉપરાંત સૂર્ય અને ગુરૂ પરસ્પરના સૌથી ઉત્તમ મિત્રો છે. એ બંનેનું જન્મસ્થાનમાં હોવું ઘણું શુભ છે. તે માનવને આત્માનું તથા ધર્મનું અલગ જ બળ આપે છે. એ પણ જુઓ કે બારમે ચંદ્રના ઘરમાં બેસીની શુક્ર ચંદ્રની સાથે પ્રતિયુતિ કરી રહ્યો છે. શુક્ર અને ચંદ્ર માનવને અતિ ધનવાન બનાવે છે. એમાં પણ કુંડળીનો ચંદ્ર ઉચ્ચના મંગળની સાથે યુતિ કરીને શ્રીયોગ કરી રહ્યો છે તે વધારામાં. આ ગ્રહસ્થિતિ અતિ ઐશ્વર્ય આપે છે. આમ ચંદ્ર પોતે સમૃદ્ધિ આપે છે અને શુક્રના સહયોગથી તે ઐશ્વર્યમાં વધારો કરી આપે છે.
એ પણ જુઓ કે કેન્દ્રનાં ચારે સ્થાનો બળવાન બનેલાં છે. એટલે કે સમૃદ્ધિ અને ઐશ્વર્યની દૃષ્ટિએ રાવણની કુંડળી અતિ ઉત્તમ છે.
અને છતાંય આ વિશેષ કુંડળીમાં કેટલીક વિષમ બાબતો પણ છે. જેમ કે ભાગ્યસ્થાનમાં રહેલો રાહુ ભાગ્યને ગ્રહણ લગાડી રહ્યો છે. ઉપરાંત ભાગ્યસ્થાનનો સ્વામી મંગળ ઉચ્ચનો હોવા છતાં છઠ્ઠે ખાડાના સ્થાનમાં છે. બીજી તરફ શુક્ર ચંદ્રના ઘરમાં બેઠો છે. શુક્ર તનની વાસનાનો ગ્રહ છે, ચંદ્ર મનની વાસનાનો ગ્રહ છે. ઉપરાંત જ્યારે જ્યારે શુક્ર અને મંગળ વચ્ચે કુંડળીમાં કોઈ પણ સંબંધ બંધાય છે ત્યારે ત્યારે અગ્નિ તત્ત્વનો મંગળ શુક્રની વાસનાને ભડકાવવાનું કામ કરે છે. અહીં શુક્ર અને મંગળની પરસ્પર દૃષ્ટિ છે. એ પણ જુઓ કે કુંડળીમાં રાહુથી શુક્ર ચોથે છે. એટલે કે રાહુ અને શુક્રની વચ્ચે કેન્દ્રયોગ થાય છે. જ્યારે જ્યારે રાહુ અને શુક્ર કોઈ રીતે સંબંધી બને છે ત્યારે ત્યારે શુક્રની વાસનાને રાહુ વિકૃત બનાવે છે. વાસનાના સંતોષ માટે માનવ ગમે તે હદે જાય છે.
ઉપરાંત રાહુ અને મંગળ વચ્ચે પણ કેન્દ્રયોગ બને છે. બંને યુદ્ધખોર ગ્રહો છે. મંગળ માનવને અતિશય આવેશ આપે છે તો રાહુ માનવને જિદ્દી બનાવે છે. માનવ સારાસારનું ભાન ભૂલી જાય એ હદે હઠીલો બની જાય છે.
હજુ વધુ એક કેન્દ્રયોગ થાય છે શનિ અને ચંદ્રની વચ્ચે. આ કેન્દ્રયોગ વિષયોગ કરે છે. તે માનવનું મન વિષમય કરી દે છે. માનવ ઝેરીલો અને ડંખીલો બની જાય છે.
રાવણ પોતે જ્યોતિષશાસ્ત્રનો પૂર્ણ જ્ઞાની હતો. તેણે પોતાની કુંડળીના આ ગ્રહયોગોને બરાબર જાેયા હતા તેમજ જાણ્યા હતા. તેને પોતાના ભાગ્યમાં રહેલાં ભયસ્થાનોની જાણકારી હતી જ. તે આ વિષે સજાગ પણ હતો જ...
પરંતુ જ્યોતિષવિદ્યાની એક અજબ રીતિ છે. કહેવાય છે કે તમે જ્યોતિષશાસ્ત્રના ગમે તેટલા મોટા જ્ઞાની હો તો પણ પોતાની કુંડળી ક્યારેય જાતે જાેવી નહીં. પોતાની કુંડળીને જાેવામાં તથા મૂલવવામાં તમે અવશ્ય કોઈ ને કોઈ ભૂલ કરશો અને બહુ મોટી ભૂલ કરશો. રાવણના હાથે વાસ્તવમાં આમ બન્યું. તે શું બન્યુ અને કેવી રીતે બન્યું તે વિષે જાેઈશું હવે પછીના અંકમાં.