આ અગાઉના લેખમાં આપણે રાવણની કુંડળીનો અભ્યાસ કર્યો. રાવણ પોતે જ્યોતિષશાસ્ત્રનો બહુ મોટો વિદ્વાન હતો. પોતાની કુંડળીને તે બરાબર જાણતો હતો. સાધનાઓ દ્વારા તેણે એવી શક્તિ પણ મેળવી લીધી હતી કે તે ચાહે ત્યારે ચાહે તે રીતે પોતાની કુંડળીને બદલી શકે. નારદજી પણ આ જાણતા હતા. તેમને એ પણ ખબર હતી કે રાવણ શિવજીનો મહાભક્ત હતો. તે ગોત્રથી તો બ્રાહ્મણ હતો પણ વંશથી અસુર હતો. આ હેતુ સાથે નારદજી રાવણની સામે પહોંચી ગયાં. રાવણે હર્ષથી તેમનું સ્વાગત કર્યું. બંને વાતોએ વળગ્યાં. રાવણે નારદની સામે પોતાની કુંડળી મૂકતાં પૂછી લીધુંઃ “સાચું કહેજાે દેવર્ષિ, તમે આ પહેલાં મારી આ કુંડળીથી વધારે ઉત્તમ કુંડળી બીજી કોઈ જાેઈ છે?”
નારદે રાવણની કુંડળીને જાેઈ. રાવણને પસંદ પડે એ રીતે તેમણે કુંડળીનું વિશ્લેષણ પણ કર્યું. એ પછી ધીરેથી રાવણની સામે એક કુંડળી દોરી દીધી અને કહ્યું કે જરા આ કુંડળીને જુઓ લંકેશ! રાવણે તે કુંડળી જાેઈ અને જાેતો જ રહ્યો. નારદે કહ્યુંઃ “આ દશરથપુત્ર રામની કુંડળી છે દશાનન! કેન્દ્રમાં ઉચ્ચના ચાર ચાર ગ્રહો!પાંચમો ગ્રહ સ્વગૃહી. ભાગ્યસ્થાનમાં પણ ઉચ્ચનો શુક્ર! આવી કુંડળી બહુ ઓછી જાેવા મળે છે!”રાવણે તરત એક ર્નિણય લીધો અને નારદજીને કહ્યું કે હું મારી કુંડળીને અત્યારે જ બદલી રહ્યો છું દેવર્ષિ! અને રાવણે વાસ્તવમાં રામની કુંડળીને નજરમાં રાખીને પોતાની કુંડળીને બદલી દીધી! તેણે પોતાની મરજી મુજબ ગ્રહોને પોતાની કુંડળીમાં સ્થાન લેવા માટે આદેશ કર્યો અને ગ્રહોએ તેનો આદેશ માનવો પડ્યો.
તેણે પોતાની જે નવી કુંડળી બનાવી તે અહીં આપી છે.નવી કુંડળી માટે રાવણે તુલા લગ્ન પસંદ કર્યું હતું. રામની કુંડળીની જેમ જ એણે કેન્દ્રમાં ચાર ચાર ગ્રહ ઉચ્ચના મૂક્યા હતાં. ઉપરાંત ભાગ્યસ્થાનમાં રાહુને અને ત્રીજે કેતુને ઉચ્ચનો રાખ્યો હતો. છઠ્ઠે શુક્રને પણ ઉચ્ચનો જ રાખ્યો હતો. તેની દૃષ્ટિએ હવે આ કુંડળી એકદમ સંપૂર્ણ હતી અને હવે તે જગતની સર્વશ્રેષ્ઠ કુંડળીનો સ્વામી હતો. નારદજીએ તેની નવી કુંડળીને જાેઈ. આ કુંડળીમાં રહેલી બે ખાસ ભૂલોને બરાબર નોંધી લીધી અને રાવણને ધન્યવાદ આપીને રવાના થઈ ગયાં.રાવણે કઈ બે ભૂલો કરી હતી આ કુંડળીમાં? તેણે તુલા લગ્ન તો બરાબર પસંદ કર્યું હતું અને તેમાં ઉચ્ચનો શનિ પણ બરાબર મૂક્યો હતો... પરંતુ તેણે શનિની સાથે જ ચંદ્રને પણ મૂક્યો. આમ કરીને તેણે ગુરૂ-ચંદ્રનો ગજકેસરીયોગ તો રચી દીધો હતો પરંતુ સાથે સાથે શનિ-ચંદ્રની યુતિનો વિષયોગ પણ રચી દીધો હતો. બીજી ભૂલ તેણે એ કરી હતી કે રાહુને ઉચ્ચનો બનાવવાના લોભમાં ભાગ્યસ્થાનમાં મૂકી દીધો હતો.આ આખી કુંડળીના ગ્રહોની અસર શું થઈ તે જાણો. આ ગ્રહોની મદદથી રાવણે સોનાની લંકા વસાવી. તે અપરાજિત શાસક બન્યો અને સાથે સાથે જ અતિ સમૃદ્ધ રાજા પણ બન્યો. નારદજીની આ જ તો ઈચ્છા હતી! પરંતુ આ દરમ્યાન શનિ-ચંદ્રના વિષયોગે રાવણના મનને ડંખીલું તથા ઝેરીલું બનાવી દીધું. કુંડળીમાં શનિ-રાહુનો કેન્દ્ર-ત્રિકોણયોગ પણ બનેલો હતો. આ યોગે રાવણને અહંકારી તથા જિદ્દી બનાવ્યો. ઉપરાંત ઉચ્ચના રાહુનો ઉચ્ચના શુક્રની સાથે કેન્દ્રયોગ થયો જેણે તેની આસુરી વૃત્તિમાં રહેલી વાસનાને ભડકાવવાની સાથે વિકૃત પણ બનાવી. આ બધાંનું પરિણામ એ આવ્યું કે તેણે સીતાનું અપહરણ કર્યું. સીતાને પોતાની બનાવવા માટે તે બનતું બધું કરી છૂટ્યો પરંતુ સીતાને પામી શક્યો નહીં. તેની સોનાની લંકાને વાનર વંશના હનુમાને બાળી દીધી. અંતે એ જ રામના હાથે તેનું મૃત્યુ થયું જે રામની કુંડળીની સાથે તેણે પોતાની કુંડળીને બદલી હતી.રાવણ જ્યોતિષશાસ્ત્રનો સંપૂર્ણ જ્ઞાની હતો.આમ છતાં રાવણ ના તો અધર્મના આચરણથી બચી શક્યો કે ના તો પોતાના સર્વનાશથી બચી શક્યો!વાસ્તવમાં ગ્રહોને નહીં, ચારિત્રને બદલવાનું હોય છે!