અમદાવાદ-
સમગ્ર દેશમાં કોરોનાના નવા મ્યુટંટે હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરથી દેશની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને ઓક્સિજનની અછત સર્જાય રહી છે. તેવામાં ટાટા ગૃપ એ લિક્વીડ ઓક્સિજનના ટ્રાંસપોર્ટ માટે નવા 24 ક્રાઇઓગેનિક કંટેનર્સ આયાત કરશે. જેને કારણે દેશ ભરમાં ઓક્સિજનની કમીને દૂર કરવામાં કેટલાક અંશે મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે ઓક્સિજનની અછત સર્જાઇ છે. ટાટા ગ્રૃપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કંટેનર્સના આયાતની માહિતી આપી છે. ટાટા ગ્રૃપે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે “ટાટા ગ્રૃપ લિક્વીડ ઓક્સિજનના ટ્રાંસપોર્ટેશન માટે 24 ક્રાઇઓગેનિક કંટેનર્સ આયાત કરી રહ્યુ છે. જેનાથી દેશમાં ઓક્સિજનની અછતને દૂર કરવામાં મદદ મળશે”
પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્ર જોગ સંબોધન કરીને જણાવ્યુ હતુ કે ઓક્સિજનની અછત સર્જાય રહી છે પરંતુ તેની સપ્લાય વધારવાની દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે. તેમણે ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સ્ટેક હોલ્ડર્સને સાથે મળીને ઓક્સિજનની અછત જેવી સમસ્યાનો સામનો કરવા કહ્યુ હતુ. હાલમાં દેશભરમાં ઓક્સિજનની કિલ્લત વર્તાઇ રહી છે. સેંકડો લોકો ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ ન મળવાથી મૃત્યુ પામી રહ્યા છે. દેશની રાજધાનીમાં પણ હવે તો 8 થી 10 કલાક ચાલે તેટલું જ ઓક્સિજન બચ્યુ છે અને ઓક્સિજનની સપ્લાય વધારવા દિલ્લી સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.