રિટેલ બ્રાંડ્સ નવા વિસ્તારોમાં તેજીથી વિસ્તરણ કરી રહી છે. જેને કારણે દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાં આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લીઝિંગ બમણું વધીને ૨૨ લાખ સ્ક્વેર ફૂટ થયું છે. આ પહેલા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આ આંકડો ૧૧ લાખ સ્ક્વેર ફૂટ હતો. એટલે કે આ વર્ષે છ મહિનામાં આ શહેરોમાં કંપનીઓએ અંદાજે ૩૩ લાખ સ્ક્વેર ફૂટ સ્પેસ લીઝ પર લીધી છે. રિયલ એસ્ટેટ કન્સલટન્ટ જેએલએલ રિસર્ચ એન્ડ રિટેલના રિપોર્ટ અનુસાર, લીઝિંગમાં સૌથી વધુ ૩૮% હિસ્સો ફેશન અને એપેરલ સેગમેન્ટનો રહ્યો છે. આ શહેરોમાં વૈશ્વિક બ્રાંડ્સના પ્રવેશને કારણે લીઝિંગ સ્પેસની ગતિવિધિઓમાં તેજ ગ્રોથ જાેવા મળ્યો છે. આ વૃદ્ધિએ દેશના રિટેલ માર્કેટને નવી ઊંચાઇએ પહોંચાડ્યું છે. તેનાથી દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાંડ્સ માટે નવા અવસરોનું સર્જન થઇ રહ્યું છે.
વેલ્યૂ ફેશન અને મિડ-રેન્જ બ્રાંડ્સનો ફેશન-એપેરલ લીઝિંગમાં ૮૪% હિસ્સો છે. છ મહિનામાં અંદાજે ૧૩ લાખ સ્ક્વેર ફૂટ સ્પેસ લીઝ પર લીધી છે. વેલ્યૂ સેગમેન્ટના કેટલાક ફોર્મેટ્સમાં તાતા ટ્રેન્ટની ઝૂડિયો, આદિત્ય બિરલા ફેશનની સ્ટાઇલ અપ, લેન્ડમાર્ક ગ્રુપની ઇઝીબાય, આરએન્ડબી છે.સમગ્ર વિશ્વની સાથે ભારતીય ગ્રાહકોની પસંદ પણ બદલી રહી છે. ગ્લોબલ કન્સલટંટ ફર્મ બેન્ડ એન્ડ કંપનીના એક સરવે રિપોર્ટમાં તેનું કારણ ભીષણ ગરમી-ઠંડી અને ભારે વરસાદ ગણાવે છે. સરવેમાં સામેલ ભારતના ૪૦% ગ્રાહકોએ કહ્યું કે તેજીથી બદલાઇ રહેલી આબોહવા તેઓને ટકાઉ પ્રોડક્ટ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ ખરીદવા માટે પ્રેરિત કરે છે. દેશમાં ડેસ્ટિનેશન ઓરિએન્ટેડ શૉપિંગ મોલ્સના નવા કોન્સેપ્ટ અને ટ્રેંડમાં તેજીની આશા છે. આ મૉલ્સ મીટિંગ માટેના સ્થળ અને મનોરંજનના હબ તરીકે વિકસિત થશે. અનેક ગ્લોબલ ફંડ્સ દેશના પ્રમુખ ડેવલપર્સ સાથે ભાગીદારી કરી રહ્યાં છે. રિટેલ સેક્ટર નવા લિસ્ટિંગ માટે નવા માર્કેટ તરીકે ઉભરશે. વધતા શહેરીકરણ, મધ્યમવર્ગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, કિફાયતી રિયલ એસ્ટેટ અને માર્કેટમાં નવી તકોની શોધને કારણે ટિયર-૨ અને ૩ શહેર રિટેલ રિયલ્ટી માટે નવા આકર્ષક સ્થળ બનશે.