મુંબઇ
રોહિત શેટ્ટી તથા રણવીર સિંહ 'સિમ્બા' બાદ સતત ત્રીજી વાર કામ કરી રહ્યા છે. 'સૂર્યવંશી'માં પણ રણવીર સિંહ તથા રોહિત શેટ્ટી હતા. જોકે, એ ફિલ્મમાં લીડ હીરો અક્ષય કુમાર છે. રોહિત શેટ્ટી ફિલ્મ 'સર્કસ'ને ડિરેક્ટ કરશે, જ્યારે ભૂષણ કુમાર તથા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. રણવીર સિંહ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે.
'સર્કસ' ફિલ્મ વિલિયમ શેક્સપિયરના ક્લાસિક નાટક 'ધ કોમેડી ઓફ એરર્સ' પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે આ જ નાટક પરથી 1982માં ફિલ્મ 'અંગૂર' બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં સંજીવ કુમારે ડબલ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં દેવેન વર્મા, મૌસમી ચેટર્જી, દિપ્તી નવલ, અરૂણા ઈરાની જેવા કલાકારો હતા. આ ફિલ્મને ગુલઝારે ડિરેક્ટ કરી હતી
'સર્કસ'માં રણવીર સિંહ ઉપરાંત વરુણ શર્મા, પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડિઝ, સિદ્ધાર્થ જાદવ, જ્હોની લીવર, સંજય મિશ્રા, વ્રજેશ હિરજી, વિજય પાટકર, સુલ્ભા આર્ય, મુકેશ તિવારી, મુરલી શર્મા જેવા કલાકારો જોવા મળશે.
'સર્કસ'નું શૂટિંગ આવતા મહિનેથી એટલે કે નવેમ્બરથી શરૂ થશે. શૂટિંગ મુંબઈ, ઊટી તથા ગોવામાં કરવામાં આવશે. હાલમાં મુંબઈના મહેબૂબ સ્ટૂડિયોમાં સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.
રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ '83' એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે હવે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. રણવીરની બીજી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' પણ બનીને તૈયાર છે. આ ફિલ્મ હવે આવતા વર્ષે રિલીઝ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.