યશરાજ ફિલ્મ્સ દ્વારા ગુરુવારે ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સાથે આવી રહ્યા છે. ૨૦૧૪માં પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી, તેની દસમી એનિવર્સરી નિમિત્તે આ જાહેરાત કરવામાં આવી છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આગળની બે ફિલમોની હાઇલાઇટ્સ રજૂ કરવામાં આવી હતી. જેના દ્વારા આ દાયકા દરમિયાન ફિલ્મને મળેલા પ્રેમ અને સહકાર બદલ પહેલાં દર્શકો પ્રત્યે ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે શિવાની શિવાજી રૉય એટલે કે રાની મુખર્જીની ત્રીજી ફિલ્મનું કામ ચાલુ છે. આ વીડિયો સાથે કૅપ્શનમાં લખ્યું હતું,“મર્દાનીના દસ વર્ષ અને નવા પ્રકરણની રાહ જોવાઈ રહી છે...આજે એક બહાદુર, બાહોશ પોલિસ અધિકારી શિવાની શિવાજી રોય અને મર્દાનીના જુસ્સાની ઉજવણી કરીએ છીએ. મારી પ્યારી ફ્રેન્ચાઈઝીને એક દાયકા સુધી પ્રેમ અને સરાહના આપવા બદલ આપનો આભાર. આપના કારણે..અમને ફરી ....પ્રેરણા મળી છે...” મર્દાની ફ્રેન્ચાઇઝીની ફિલ્મોને વિવેચકોએ પણ વખાણી છે અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ સારી સફળતા મળી છે, જે દર્શકોને મજબૂત સંદેશ અને જકડી રાખએ તેની કથાથી આકર્ષવામાં સફળ રહી છે. હજુ આગામી ફિલ્મની કાસ્ટ નક્કી થઈ રહી છે, પરંતુ શિવાની શિવાજી રોય તરીકે રાની મૂખર્જી દર્શકોને મનોરંજન પૂરું પાડવા તૈયાર છે. ટૂંક સમયમાં આ ફિલ્મનું કામ શરૂ થઈ જશે. આ પહેલાં રાની મુખર્જી છેલ્લે ‘મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે’માં જોવા મળી હતી.