મુંબઇ
કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતા અને એક્ટર રણધીર કપૂરનો આજે 74મો જન્મદિવસ છે. રણધીર કપૂરના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે કપૂર પરિવાર ભેગો થયો હતો. 14 ફેબ્રુઆરીએ રાત્રે કપૂર ફેમિલીના ચેમ્બૂર સ્થિત નિવાસસ્થાને તમામ સભ્યો આવ્યા હતા. કેક કાપવા ઉપરાંત પરિવારના સભ્યોએ ભેગા થઈને સાથે સમય વિતાવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે સૌ પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા.
પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન પતિ સૈફ અને દીકરા સાથે પિતાના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. કરીનાએ ગ્રીન રંગનું સિલ્કી કફ્તાન પહેર્યું હતું. જ્યારે સૈફ બ્લેક કૂર્તામાં જોવા મળ્યો હતો.
બર્થ ડે સેલિબ્રેશન પૂરું કરીને નીકળતાં રાત્રે મોડું થયું હતું ત્યારે તૈમૂર ઊંઘી ગયો હતો. કપૂર મેન્શનમાંથી નીકળતી વખતે સૈફ તૈમૂરને તેડીને આવ્યો હતો. જો કે, કપૂર મેન્શન પાસે ઊભેલા ફોટોગ્રાફર્સના કેમેરાની ફ્લેશ લાઈટથી નાનકડા ટિમની ઊંઘમાં ખલેલ પહોંચી હતી. ત્યારે પપ્પાએ તેના ચહેરા આગળ હાથ રાખી દીધો હતો જેથી પ્રકાશ ના આવે.
કરીના ઉપરાંત તેની બહેન કરિશ્મા કપૂર પણ પિતાના બર્થ ડે સેલિબ્રેશનમાં દીકરી અને દીકરા સાથે આવી પહોંચી હતી.સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્માએ રણધીર કપૂરની બર્થ ડે કેકની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. રણધીર કપૂરના બર્થ ડે માટે બે કેક લાવવામાં આવી હતી. એક કેક પર હેપી બર્થ ડે પપ્પા લખેલું હતું. તો બીજી હાર્ટ શેપની કેક પર લખ્યું હતું, "તમે અમારા વેલેન્ટાઈન છો. હેપી બર્થ ડે પપ્પા."
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું હાર્ટ અટેકના કારણે 58 વર્ષની ઉંમરે અવસાન થયું છે. માટે કપૂર પરિવારે ખૂબ સાદગીથી રણધીર કપૂરની બર્થ ડે ઉજવી હતી. રણધીર કપૂર પોતાના નાના ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. ત્યારે રાજીવના નિધન બાદ એકલા પડી ગયેલા રણધીરને સધિયારો આપવા અને તેમનું મન હળવું કરવા કપૂર પરિવારએ આ રીતે ભેગા થઈને તેમનો બર્થ ડે ખાસ બનાવ્યો હશે તેમ લાગી રહ્યું છે.