મુંબઇ
બોલિવૂડના સોહામણા એકટર રણબીર કપૂરે હવે અંગદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. રણબીર કપૂરના પિતા રિશી કપૂરનું આ વર્ષે એપ્રિલ મહિનામાં નિધન થયું હતું. એક સંસ્થા અમર ગાંધી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં રણબીર કપૂરે આ જાહેરાત કરી હતી.
રસપ્રદ બાબત એ છે કે, માર્ચ 2014માં રણબીરના પિતા રિશી કપૂરે પણ અંગ દાન કરવાના શપથ લીધા હતા. રાષ્ટ્રીય અંગ દિવસ નિમિતે રણબીર કપૂરે જણાવ્યું હતું કે હું અંગ દાન કરવાના શપથ લઈ રહ્યો છું. મને આશા છે કે આ રીતે એક અથવા તો બે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવી શકે છે. આ આગળ જતાં પણ જારી રહેશે. આથી જ અંગ દાન કરવા અંગે વિચારણા કરો. રણબીર કપૂરની સાથે આલિયા ભટ્ટે પણ આ પ્રસંગે હાજરી આપી હતી અને તેણે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં લોકોમાં જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે આરોગ્યની સમસ્યાઓ અંગે બોલવાની જરૂર છે. રણબીર ઉપરાંત ઘણી ફિલ્મી હસ્તીઓએ આ રીતે શપથ લીધા છે. આ વર્ષના પ્રારંભે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અર્જુન માથુર, પ્રિયંકા ચોપરા, આમિર ખાન અને આર. માધવને પણ શપથ ગ્રહણ કરેલા છે.