લેખકઃ ડો.મનિષ આચાર્ય |
ધધારોજગાર કે વ્યાપાર ક્ષેત્રે વિકાસ અને પ્રગતિ એટલે શું? આપણે વિકાસને હંમેશા આંકડાઓની પરિભાષામાં જાેઈએ છીએ એટલે વિકાસના હાર્દને પામવાનું ચૂકી જઈએ છીએ.
આજથી પચ્ચીસત્રીસ વર્ષ પહેલાં સેવમમરા, વેફર કે ગાંઠીયા જેવી વસ્તુઓ પેકિંગમાં પૂરી પાડતી એક પણ કંપની નહતી. આવા રોજબરોજના નાસ્તાનો ધંધો સમગ્ર દેશમાં સંપૂર્ણપણે નાનામોટા કંદોઈના હાથમાં હતો. નાનામાં નાના ગામડાથી લઇ મોટા શહેરોમાં કંદોઈની દુકાન હોય જ. આમ તે રીતે દેશમાં ફરસાણની લાખો દુકાન હશે. તેના દ્વારા દુકાનના માલિક અને પ્રત્યેક દુકાન દીઠ સરેરાશ એકાદ બે કારીગરને, આમ દેશમાં ફક્ત એક કંદોઈના ધંધા થકી લાખો લોકોને રોજગારી મળતી અને આમ આટલા જ પરિવારો નભતા. પચ્ચીસેક વર્ષ પહેલાં તેમાં પેકડ વેફરની શરૂઆત થઈ. કંદોઈને ત્યાં અગાઉ રોજેરોજની ગરમાગરમ તાજી વેફર મળતી એ યુગ ધીમે ધીમે વિદાય લેવા લાગ્યો. રોજબરોજના નાસ્તામાં વેફરથી શરૂ થયેલ આ યાત્રામાં ધીમે ધીમે સેવમમરા સહિતની લગભગ તમામ ચીજ જાેડાઈ ગઈ.
આજે ભાગ્યે જ નાસ્તાની કોઈ એવી ચીજ હશે જે પેકિંગમાં ઉપલબ્ધ નહી હોય. કંદોઈની પ્રોડક્ટની સંપૂર્ણ રેન્જ આઠ દસ કંપનીઓના હાથમાં ચાલી ગઈ. આ કંપનીઓ બે અઢી દાયકામાં અબજાેનું ટર્ન ઓવર કરવા લાગી પણ કંદોઈનો ધંધો લગભગ લુપ્તપ્રાય થઈ ગયો. દેશમાં લાખો દુકાન બંધ થઈ ગઈ અને તે રીતે એક બહુ મોટા વર્ગે બેરોજગાર થવાની નોબત આવી. તેમાં કામ કરતા કારીગરો પણ બેરોજગાર થયાં અને કેટલાક જૂજ અપવાદોને બાદ કરતા હજુ કલાકો પહેલા બનેલા તાજા નાસ્તાનો યુગ પણ પૂરો થયો.
તે સામે ખાનગી કંપનીઓ કેટલાને રોજગાર આપે? ઘણા ઓછાને. પેકેજડ ફૂડ પણ અન્ય ચીજાે વેચતા સ્ટોરમાં વેચાતી હોય એટલે તે રીતે પણ કોઈ નવા રોજગારનું પણ સર્જન ન થાય.
આ જ રીતે ચપ્પલ બનાવતા લાખો કરોડો મોચીઓએ રોજગાર ગુમાવ્યા છે. કંપની મેઇડ પગરખાનું ચલણ સર્વવ્યાપી થઈ ગયું છે ને આ ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદકો પોતાની ભૂમિકા ગુમાવી રહ્યા છે. આ રીતે પગરખામાં ભારતીય શૈલી સંપૂર્ણપણે લુપ્ત થઈ રહી છે અને સર્વત્ર પશ્ચિમી ડિઝાઇન ઘર કરી રહી છે.
ટુરિસ્ટ બેગના ઉત્પાદકો પણ આ જ શ્રેણીમાં આવે છે. આ ધંધાકીય ક્ષેત્ર તો ખાનગી ક્ષેત્રના હુમલા સામે લગભગ સંપૂર્ણ નાશ પામ્યું છે. અગાઉ ગામમાં ટુરિસ્ટ બેગનાં અનેક ઉત્પાદકો રહેતા પરંતુ આ ક્ષેત્રે મોલ્ડેડ લગેજના પ્રવેશ સાથે સ્થાનિક બેગ ઉત્પાદન સંપૂર્ણ પડી ભાંગ્યું છે. તે શ્રેણીમાં હવે પોર્ટફોલિયોનું સ્થાનિક ઉત્પાદન પણ બંધ થતું જાય છે. આમ આ ક્ષેત્રે પણ લાખો લોકો રોજગારી ગુમાવી ચૂક્યા છે અને ગુમાવી રહ્યા છે.
આવું એક બીજું ક્ષેત્ર વસ્ત્રોનું છે. દરજીઓ પાસે કપડાં સિવડાવવનો એ યુગ કોને યાદ નહી હોય? એક જમાનામાં આપણે ઘરે દરજી બેસાડતા એ યાદ છે ને? વર્ષે બે વર્ષે ઘરે દરજીની દસ પંદર દિવસ માટે પધરામણી થાય અને તે આખા ઘરના કપડાં, ગાદલા ગોદડાંના કવર વિગેરે તમામ વસ્તુઓ સીવી આપે! તે સિવાય સ્ત્રી પુરુષો બાળકો વૃદ્ધો તમામ પ્રકારના કપડાં દરજી પાસે સીવડાવે. પરંતુ લેડીઝ જેન્ટ્સના રેડીમેડ કપડાના આગમન સાથે દરજીઓનો એ ભવ્ય યુગ લુપ્ત થવા લાગ્યો. આજે મોટા ભાગના સ્ત્રી પુરુષો વેસ્ટર્ન શૈલીના કંપની મેડ વસ્ત્રો પહેરે છે. બાળકો અને આજની પેઢીના ઘણા વૃદ્ધોની પણ આ જ પસંદગી છે. આ પ્રવાહમાં ટેલર્સ પોતાનું વજૂદ ગુમાવી ચૂક્યાં છે. કંપનીઓના આક્રમણનો સહુથી મોટો ધક્કો જાે કોઈને પહોંચ્યો હોય તો તેઓ આ ટેઈલર છે. મોટા મોટા શહેરોમાં હવે ગણ્યાગાંઠ્યા ટેઈલર રહ્યા છે. દરજીની દુકાનો આજે અલોપ થઈ ચૂકી છે. આ ક્ષેત્રમાં સ્ત્રીઓના બ્લાઉઝ અને ચણીયાચોળી જેવા પરિધનોના હવે જથ્થાબંધ ઉત્પાદકો થઈ ગયા છે. જીન્સ ઉપરાંત સિન્થેટિક કપડાઓ પણ હવે રેડીમેડ મળે છે. આ બધું ઓછું હોય તેમ વિદેશથી ઢગલાબંધ આવતા સેકન્ડના કપડાએ દરજીઓના ધંધાની કમ્મર તોડી નાખી છે. ભાગ્યે જ કોઈ હવે પ્રસંગોપાત ટેઈલર પાસે કપડાં સીવડાવવા જાય છે. આંધળા ઔદ્યોગિકરણની આ જ ખૂબી છે. તે માલિકોના વર્ગને ખતમ કરી નોકરોના ઝુંડ પેદા કરે છે. તકો અને સંપત્તિનું કેન્દ્રીકરણ થતાં ચંદ લોકોના હાથમાં જીવનનો વૈભવ સરી પડે છે ને બાકીના હાથ ઘસતા રહી જાય છે.