રામાયણના હનુમાન ‘દારાસિંહ’ની બાયોપિક તેમનો દીકરો બનાવશે

ભારતના લોકપ્રિય પહેલવાન અને દરેક ઘરમાં જાણીતા દારાસિંહના જીવન આધારિત બાયોપિક બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. દારાસિંહના દીકરા વિંદુ દારાસિંહે ફાધર્સ ડે નિમિત્તે આ અંગે જાણકારી આપી હતી. દારાસિંહની બાયોપિક તેમના દીકરા વિંદુ બનાવવાના છે અને તેમાં લીડ રોલ માટે વિંદુએ પોતાના દીકરા ફતેહની પસંદગી કરી છે. દારાસિંહનો પૌત્ર ફતેહ આ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરશે. દેશના સફળ કુસ્તીબાજાેમાં દારાસિંહનું નામ મોખરે છે. તેમણે પોતાના જીવનમાં ૫૦૦થી વધુ કુસ્તી લડી હોવાનું કહેવાય છે અને આ તમામ કુસ્તીમાં તેઓ જીત્યા હતા. પોતાના સમયનાં ઘણાં પહેલવાનોને પછડાટ આપવામાં દારાસિંહ સફળ રહ્યા હતા. તેમણે બોલિવૂડમાં પણ કેટલીક ફિલ્મો કરી હતી. જાે કે દેશભરમાં લોકપ્રિય બનાવવાનું શ્રેય રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ને જાય છે. આ સિરિયલમાં દારાસિંહે ભગવાન હનુમાનનો રોલ કર્યાે હતો. દાયકાઓ બાદ પણ હનુમાનજીના રોલમાં દારાસિંહને જ આદર્શ માનવામાં આવે છે. વિંદુ દારાસિંહે જણાવ્યું હતું કે, હું મારા પિતા પર ફિલ્મ પ્લાન કરી રહ્યો છું અને તેમાં દીકરા ફતેહને કાસ્ટ કરવા માગુ છું. તે મને આ ફિલ્મ માટે ફિટ લાગે છે અને તે તૈયારી પણ કરી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution