લેખકઃ કલ્પના ગાંધી |
રામ નામ સત્ય છે, જે ધર્મનું પ્રતીક છે. ‘રામ નામ સત્ય હૈ’ આ વાક્યાંશ છે, પૂરું વાક્ય છે ‘રામ નામ સત્ય હૈ, સત્ય બોલો ગત્ય હૈ’ એટલે કે રામ નામ જ સત્ય છે તેનું સ્મરણ કરવાથી જ સદગતિ પ્રાપ્ત થશે. ‘રામ નામ સત્ય હૈ’ એટલે અંતતઃ રામ નામ જ કેવળ સચ્ચાઈ છે. બાકી બધુ મિથ્યા છે. અનિત્ય છે.
હવે એમ પણ થાય કે તો પછી શા માટે એવો સવાલ કે રામ નામ સત્ય છે કે કામ નામ સત્ય છે? જ્યારે રામ જન્મથી પહેલાં અને મૃત્યુ પછી પણ જીવંત છે, અનંત છે, અસીમિત છે, આ નામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં પણ સમાવેશ કરી શકે તેવું અપરંપાર છે તો પછી આવો પ્રશ્ન કેમ?
ભારતીય દર્શનમાં જીવનના ચાર પુરુષાર્થ માનવામાં આવ્યા છે. જે એકબીજા સાથે જાેડાયેલા છે. તે વ્યક્તિના જીવનની અનેકવિધ સ્થિતિ, અનેકવિધ વ્યાખ્યાઓ, પ્રાથમિકતાઓ અને આધ્યાત્મિક જીવનશૈલી પર ર્નિભર કરે છે.
ધર્મ ઃ નૈતિકતા, અનુશાસન, શિક્ષણ અને કર્તવ્યોનું પ્રતિક છે. જે માણસને સાચા-ખોટાની સમજ આપે છે. સદાચારણનો માર્ગ બતાવે છે. ધર્મનું પાલન જીવનને સંતુલિત અને સમાજ-ઉપયોગી બનાવે છે.
અર્થ ઃ આ આર્થિક સમૃદ્ધિ અને તેની પ્રાપ્તિના પ્રતીક છે. જીવન ગુજારવા ધન જરૂરી છે. ધન સંપત્તિ વગર પ્રાથમિક જરૂરીયાતો પૂરી થઈ શકતી નથી કે વૈભવ મેળવી શકાતો નથી કે નથી સંપત્તિનું દાન કરી શકાતું.
કામ ઃ આ ઈચ્છાઓ અને સુખોની પ્રાપ્તિના પ્રતીક છે. કામ, જીવનમાં આનંદ-પ્રમોદ, સ્નેહ-વાત્સલ્ય, સુખ સંતોષ આપે છે. કામ વગર જીવન નિરસ અને નિસ્તેજ થઈ જાય છે.
મોક્ષ ઃ આ અંતિમ મુક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે. મોક્ષ માણસને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે અને આત્મા પરમાનંદ અને પરમ શાંતિને પામે છે.
ચારે પુરુષાર્થ જીવનના વિભિન્ન પાસાંને દર્શાવે છે અને એક સંતુલિત જીવન માટે બધુ જ મહત્વપૂર્ણ છે પણ જાે સૌથી વધારે જરૂરીને પ્રધાનતા આપવાની હોય તો ‘ધર્મ’ ને પ્રાથમિકતા આપવી પડે. કારણ કે એ જીવનના અન્યા પાસા (અર્થ, કામ, મોક્ષ) માટે નૈતિક આધાર અને સાચી દિશા પ્રદાન કરે છે. ધર્મ વગર માણસને જીવનમાં અરાજકતા અને નૈતિક પતનનો સામનો કરવો પડી શકે.
પણ માણસના જીવનમાં દસ-બાર વર્ષે કામનાઓ, વાસનાઓ, ઈચ્છાઓ, કામુક્તાઓનો પ્રવેશ થઈ જાય છે. આ સમયે ત્યાં રામ ઠરવો જાેઈએ. જિંદગીના પહેલા પચ્ચીસ વર્ષ ધર્મ એટલે કે રામને સાધવો જાેઈએ.જાે તેમ થાય તો જે મજબૂત, સાહસી, હિંમતવાન, શક્તિશાળી, ગુણવાન, ધારદાર, વ્યક્તિત્વ વિદ્યાર્થીનું બને તે બાર તેર વર્ષે કામનામાં પડે તેનું ન બને.
દરેક ચીજ તેના ક્રમ મુજબ સમયે-સમયે શોભે છે. ભારતીય સંસ્કૃતિ ‘કામ’ ને હડેહડે કરતી નથી. તેનો પણ ચાર પુરુષાર્થમાં સમાવેશ કરે છે. સવાલ એ પણ થાય કે માણસમાં કામવૃત્તિની આટલી પ્રગાઢ લાલસા શા માટે? તેના કેટલાક કારણો છે.
માણસની યૌન ઈચ્છાઓ જૈવિક રૂપે નિર્ધારિત થાય છે. પ્રજનન અને પ્રજાતિની નિરંતરતા માટે, આગળની જનરેશનનો વિકાસ કરવા માટે માણસમાં યૌન આકર્ષણ અને વાસના મહત્વની છે. ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન અને અન્ય હોર્મોનલ ચેન્જ ઈચ્છાઓને પ્રભાવિત કરે છે. જેને કારણે માણસ યૌન સંબંધો કે ક્રિયા કલાપો પ્રતિ આકર્ષાય છે. મનોવૈજ્ઞાનિક કારણ એ પણ છે કે યૌન સંબંધો આત્મસન્માન, સંબંધોની ગુણવત્તા અને ભાવનાત્મક સંતુષ્ટિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે વ્યક્તિની માનસિક અને ભાવનાત્મક સ્થિરતા વધારે છે પણ તે સ્વસ્થ, સંતુલિત અને સુદૃઢ હોય તો જ...
આટઆટલી સ્પષ્ટતા પછી એ સવાલ કે રામનામ સત્ય છે કે કામનામ સત્ય છે, તેની સરળતાથી છણાવટ થઈ શકશે. રામ સમયની પહેલાંથી માંડી સમયની પછી સુધી સત્ય છે. જ્યારે જુદા સંદર્ભમાં કામ પણ એક વાસ્તવિકતા છે, એક તથ્ય છે ! રામ નૈતિક મૂલ્યોની સ્થાપના અને સંવર્ધન માટે શ્રેષ્ઠતમ છે, ઉચ્ચતમ છે. તેમનું ચરિત્ર આદર્શની સર્વોત્કૃષ્ટ પ્રેરણા પૂરી પાડે છે તો કામ જીવનની એક નકારી ન શકાય તેવી હકીકત છે. આ એક પ્રાકૃતિક, સાહજિક અને અભિન્ન હિસ્સો છે, જીવનનો. પરંતુ રામ અમર્યાદ જપી શકાય, રામમાં અનહદ થઈ રમી શકાય પણ કામને નિયંત્રિત કરવો અનિવાર્ય છે. રામનામ અનિયંત્રિત હોય, સતત, નિરંતર, અવિરત હોય તો માણસ પરમ ભક્ત બની જાય. કામ અનિયંત્રિત થાય તો માણસ કામી ને ક્રોધી તો બને જ પણ પાછળથી કેટલા દૂષણ આવે કહેવાય નહીં.
સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે જે માણસ કામવાસના પર નિયંત્રણ લાવવા ઈચ્છે તેણે જબરદસ્તીપૂર્વક તે ન કરવું જાેઈએ. બલ્કે એનાથી વધુ શ્રેષ્ઠ બાબત જીવનમાં લાવવી જાેઈએ. જેમ કે ભક્તિ અને ધ્યાન. તો આપોઆપ કામવાસના નબળી પડશે અને રામનામની તેના જીવનમાં પણ જીત થાશે.
ઠ- ફેક્ટર
રામનામ જીવશે કારણ કે એ સચ્ચાઈ મહાન છે! કામ અનંગ થઈ જીવશે કારણ કે શિવનું વરદાન છે!
રામ નામ સત્ય છે કે કામ નામ સત્ય છે?