અમદાવાદ, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. ગત ૩૧મી જુલાઈ, ૨૦૨૪ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ ૨૦૧૭માં, શ્રી નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું. જાે કે, અગાઉના પુસ્તકથી અલગ, આ વખતે ‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે, આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપુર્વક કંડારાઈ છે. ગીરમાં એકંદર જીવન, વૃક્ષો, ઝરણાં તેમજ તેની સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે શ્રી નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે. આ નવું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી-ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગે કર્યું છે. આ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ના લેખક શ્રી નથવાણીએ પોતાની નોંધમાં જણાવ્યું છે કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જાેમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પુસ્તકને જાેયા બાદ, દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે અને આ જ તેમની સૌથી મોટી સિદ્ધિ બની રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સોશિયલ મીડિયા ઉપર પણ ગીર અને સિંહો વિશેના સંદેશા, તસવીરો અને વીડિયો સાથે સતત એક્ટિવ રહે છે. ત્યારે તેમનું આ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ એ કુદરતપ્રેમીઓ તથા વન્યજીવસૃષ્ટિના ચાહકો માટે એક અનોખું અને અતુલ્ય સર્જન છે.