રાજકોટ-
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાત દિવસની અંદર જ કુખ્યાત ભુપત ભરવાડ વિરૂદ્ધ એક નહીં પરંતુ ત્રણ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે ત્રણ પૈકી બે ગુના તો ગંભીર પ્રકારની કલમ હેઠળ નોંધવામાં આવ્યા છે. જે કલમોમાં આઇપીસીની ધારા ૩૮૬,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪નો સમાવેશ થાય છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ભૂપત ભરવાડની ધરપકડ કરી હતી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત સપ્તાહમાં ભૂપત ભરવાડે ૨૦૧૭માં આચરેલા ગુનાની નોંધ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલ છે તે અંતર્ગત ભૂપત ભરવાડ તેમજ રાકેશ પોપટે વર્ષ ૨૦૧૭થી હાલ સુધીમાં ધવલ મીરાણી પાસેથી બળજબરી પૂર્વક જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ૭૦લાખ રૂપિયા પડાવ્યા છે. જે કેસ ની વધુ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ને આરોપી ભૂપત ભરવાડ ના ઘર, ઓફિસ, ફાર્મ હાઉસની સર્ચ કરેલ ત્યાંથી દારૂ મળી આવતા તેનો પણ અલગ ગુનો ભૂપત ભરવાડ વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. આમ, માત્ર બે દિવસ ની અંદર જ ભૂપત ભરવાડ વિરૂદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ભૂપત ભરવાડ, રાકેશ પોપટ, રાજુ ગોસ્વામી, હિતેશ ગોસ્વામી તેમજ મુકેશ ભાઈ ઝાપડા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુના અંતર્ગત ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેર કાયદે વ્યાજે રૂપિયા આપી તેની સામે મિલકતનો દસ્તાવેજ કરાવી લેવો, તેમજ બળજબરી પૂર્વક રૂપિયા પડાવવા તેમજ જમીન પર કબજો કરવાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે. તે અંતર્ગત ભૂપત ભરવાડ વિરૂદ્ધ પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. તેની વિરુદ્ધ હત્યાની કલમ તેમજ હત્યાની કોશિશ, આર્મ્સ એકટ સહિતની અનેક કલમ હેઠળ વર્ષ ૨૦૦૦ થી લઇ ૨૦૧૯ સુધીમાં ૮ ગુના નોંધાયા છે. તો સાથેજ તાજેતરના ત્રણ ગુના નોંધાતા કુલ ૧૧ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.